એનઆરઆઈ દંપતીની યુવાજાગૃતિ માટે દાંડીકૂચ

Wednesday 04th April 2018 08:53 EDT
 
 

અમદાવાદઃ સુરતમાં જન્મેલા અને લંડનમાં સ્થાયી થયેલા પટેલ દંપતીએ દેશનું ઋણ અદા કરવા ૧૨મી માર્ચે દાંડીથી પદયાત્રા શરૂ કરી હતી. દંપતી ૩૧મી માર્ચે અમદાવાદના સાબમરતી આશ્રમ પહોંચ્યું હતું. હિતેન પટેલે કહ્યું કે, ૧૨ માર્ચ ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રાથી દેશના લોકોને અન્યાય સામે લડવાનો સંદેશ આપ્યો હતો. તેવી જ રીતે અમે આ દેશનું નમક ખાધું છે તેનું ઋણ ચૂકવવા પદયાત્રા કરી છે. હિતેનભાઈ પટેલ અને તેમનાં પત્ની સંગીતાબહેને ‘ભારતવાસી ઓન ડયૂટી’ નામથી પદયાત્રા કરી હતી. હિતેન પટેલે કહ્યું કે, ભારતમાં શિસ્ત અને જાગૃતિની ભારે કમી દેખાય છે તેથી ખાસ તો યુવાપેઢી દેશ પ્રત્યે કર્તવ્ય નિભાવવા જાગૃત થાય તે હેતુથી આ પદયાત્રા અમે કરી છે.
ઉલ્લેખનીય છે કે, હિતેન પટેલે ૨૨ વર્ષ સુધી લંડનમાં સિવિલ સર્વિસની નોકરી કર્યા બાદ વર્ષ-૨૦૧૩માં સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી હતી. એ પછી વતન આવ્યા અને દેશના નાગરિકોને દેશની સેવા માટે જાગૃત કરવાનો નિર્ણય કર્યો હતો. આખરે ૧૨ માર્ચથી પાદયાત્રાની શરૂઆત કરી દીધી. મહત્ત્વની વાત તો એ છે કે, હિતેન પટેલના નિર્ણયને સાથ સહકાર આપવા માટે તેમનાં પત્ની સંગીતાબહેને પણ નોકરીને તિલાંજલિ આપી હતી અને પદયાત્રામાં જોડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter