ગાંધીજીનાં પૌત્રવધૂ શિવાલક્ષ્મીજીને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે ૪ જણા ખુરશીમાં લઈ ગયા

Wednesday 13th March 2019 06:56 EDT
 
 

સુરતઃ ગાંધીજીના ૯૨ વર્ષીય પૌત્રવધૂ શિવાલક્ષ્મીને તાજેતરમાં સુરતમાં કડવો અનુભવ થયો હતો. તેઓને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે બહુમાળી જવું પડ્યું હતું. બહુમાળીમાં લિફ્ટ ન હોવાથી તેમને ચાર જણા ખુરશીમાં બેસાડીને ચેરિટી કમિશનરની ઓફિસમાં લઈ ગયા હતા.
છેલ્લા સાડા ચાર વર્ષથી સુરતમાં રહેતા ડો. શિવાલક્ષ્મી મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈનાં પત્ની છે. કનુભાઈ ગાંધીજીના પુત્ર રામદાસના પુત્ર છે. કનુભાઈ અને શિવાલક્ષ્મી યુકે અને યુએસમાં જ વધારે રહ્યા છે. કનુભાઈનું ૨૦૧૬માં અવસાન થયું હતું. હવે શિવાલક્ષ્મીજી એકલા રહે છે. તેમની વિદેશમાં મિલકત પણ છે અને સ્વ. કનુભાઈને અમેરિકન સરકારથી પેન્શન મળે છે તે રકમનો સુરતમાં કલ્યાણકારી પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાની શિવાલક્ષ્મીની ઇચ્છા છે. આ કારણે જ શિવાલક્ષ્મીએ ડો. શિવા એન્ડ કનુ રામદાસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે.
આ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે શિવાલક્ષ્મીએ ચેરિટી કમિશનરની ઓફિસમાં ચાર મહિના પહેલા એપ્લાય કર્યું હતું. શિવાલક્ષ્મીની તબિયત પણ હવે સારી રહેતી નથી તેથી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરિમલ દેસાઈને ટ્રસ્ટ વતી નિર્ણય લેવાની સત્તા સોંપવાની કાયદેસર કાર્યવાહી માટે અને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે શિવાલક્ષ્મીને ચેરિટી કમિશનરની કચેરીએ બોલાવ્યાં હતાં.
પરિમલ દેસાઈએ કમિશનરને વિનંતી કરી કે શિવાલક્ષ્મી આવી શકે એમ નથી. તેમની પાસે ટ્રસ્ટ વતી નિર્ણય લેવાની સત્તા છે. બહુમાળીમાં લિફ્ટ પણ નથી, પરંતુ ચેરિટી કમિશનર માન્યા નહીં અને કહ્યું કે, રજિસ્ટ્રેશન માટે ટ્રસ્ટના સ્થાપકે જ આવવું પડે. આથી શિવાલક્ષ્મીને જેમ તેમ કરીને ચેરિટી કમિશનરની ઓફિસે લઈ જવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter