ચલથાણ સુગરમાં ભાજપના નેતા રમણ જાનીની હાર

Monday 29th June 2015 08:47 EDT
 

સુરતઃ સહકારી ખાંડ ઉદ્યોગના પ્રશ્નના ઉકેલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ખોટા વચનોથી કંટાળેલા ખેડૂતોએ ચલથાણ સુગરની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો આપ્યો છે. સહકારી અગ્રણી અને ભાજપના અગ્રણી નેતા રમણભાઈ જાની આ ચૂંટણી જંગમાં ૨૫૩ મતની સરસાઈથી હારી ગયા હતા. રાજ્યના કૃષિ ફેડરેશનના ચેરમેન અને ભાજપના સુરત જિલ્લાના કદાવર નેતા ગણાતા રમણભાઈને પ્રવિણ પટેલે હરાવતાની સાથે જ જિલ્લા ભાજપમાં ચાલતી જૂથબંધી બહાર આવી છે. ચલથાણ સુગર બોર્ડ ઓફ ડીરેક્ટરની ૧પ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૮ બેઠકો જીતીને સહકાર પેનલે સત્તા જાળવી રાખી હતી. જ્યારે પરિવર્તન પેનલના આગેવાન રમણભાઈ જાનીને મોટી સરસાઇથી હાર્યા છે, ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે. સુરત જિલ્લા ભાજપના પીઢ સહકારી આગેવાન રમણભાઈ જાનીને પક્ષના જ નેતાઓએ સાથે રહીને હરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

સુમુલ ડેરીની ૩ બેઠક બિનહરીફઃ દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નેટવર્ક ધરાવતી સૌથી મોટી ડેરી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ)ની વ્યવસ્થા કમિટીની ચૂંટણી જાહેર થઇ છે. ૧૬ બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ત્રણ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા હતા. વાલોડ મતદાર વિભાગની બેઠક પર નરેશ ભીખાભાઈ પટેલ, પલસાણાના ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી અને ઓલપાડના જયેશ નટવરભાઈ પટેલ સામે અન્ય કોઈ ઉમેદવાર નહીં રહેતા તેમને બિનહરીફ જાહેર કરાતા ૧૩ બેઠકો માટે કુલ ૪૩ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

સુરતીઓની લાઈફ સ્ટાઇલ જાણવા સર્વેઃ સુરત શહેરમાં વસતા લોકોના જીવન ધોરણ જાણીને તેમને મહાનગરપાલિકા દ્વારા અપાતી સુવિધામાં ફેરફાર કરવા માટે પ્રથમ વખત સુરત શહેરનો સોશિયલ ઇકોનોમિક્સ સર્વે કરવામાં આવશે. આ સર્વેનો રિપોર્ટ બાદ સુરત મહાનગરપાલિકા નાગરિકોને અપાતી પ્રાથમિક તથા અન્ય સુવિધામાં વધારો ઘટાડો કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર આ પ્રકારનો સર્વ કરવા માટે કવાયત થઈ રહી છે. આ પહેલા પૂણે અને ન્યુ રાયપુરમાં આવો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ લોકોનું જીવન ધોરણ જાળવવા લોકોને પર્યાપ્ત સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter