ડાંગના ગાંધી ઘેલુભાઇ નાયકનું અવસાનઃ

Monday 19th January 2015 10:09 EST
 

હીરાના ઉદ્યોગપતિએ વાયબ્રન્ટ ગુજરાતમાં જણાવી સાફલ્ય ગાથાઃ પાંચમું ધોરણ અડધું છોડીને હીરા ઘસવા સુરત આવેલા અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કહ્યું હતું કે મંદી નાના માણસોને મોટા થવાનું માધ્યમ છે. મંદી કે સમસ્યાથી પ્રગતિની શરૂઆત થાય છે. ઝીરોમાંથી હીરો થયેલા હરિકૃષ્ણ ડાયમંડ પ્રા. લિ.ના સવજીભાઈ ધોળકીયાએ તેમની સાફલ્ય ગાથા જણાવતા કહ્યું હતું કે, ‘મારી સફળતા પાછળ મારા માતા ફૂલીબહેનનો હાથ છે. મારા માતાએ મને શિખામણ આપી હતી કે તું મોટો માણસ થા, સારો માણસ થા અને પૈસાવાળો માણસ બનજે. બસ, પછી મનમાં આ એક સપનું હતું. ૧૨ વર્ષનો હતો ને હીરાઉદ્યોગમાં ગયો. ૧૦ વર્ષ હીરા ઘસ્યા પછી ફેક્ટરી શરૂ કરી. મુશ્કેલીઓમાં મારી પ્રગતિ થઈ છે. અમે રોજ ટ્રેઈનિંગ લઈએ છીએ, કોઈપણ નવી ટેકનોલોજી હોય તો અમે એને અપનાવીએ છીએ.’

સુરતમાં ભાજપના કોર્પોરેટર પર ચંપલ ફેંકાયુંઃ પુણા ગામમાં ગત સપ્તાહે યોજાયેલા એક ટીવી ચેનલના ડિબેટ પ્રોગ્રામમાં ઘમાસાણ મચી ગયું હતું. વિકાસ સહિતના પડતર પ્રશ્નોના મામલે સ્થાનિક વિસ્તારોના રાજકારણીઓ સાથે યોજાયેલા આ ડિબેટ પ્રોગ્રામમાં ટોળાંમાંથી એક યુવકે ભાજપના કોર્પોરેટર વિનુભાઇ ઝાલાવાડિયા પર ચંપલ ફેંકતાં ભારે હંગામો મચી ગયો હતો. વિકાસના નામે લોકોને ઉઠાં ભણાવાતા હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ હલ્લાબોલ કર્યા બાદ કોર્પોરેટર સાથે ઝપાઝપી પણ કરી હતી. જેને પગલે ડિબેટ કાર્યક્રમમાં ધમાલ મચી ગઇ હતી. કોર્પોરેટરે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એકની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

સુરતમાંથી રૂ. ૨૪ કરોડનું કાળું નાણુ પકડાયુંઃઇન્કમટેકસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સુરત જિલ્લાના કામરેજ અને શહેરના પાલ સહિત અન્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી બે જગ્યાએથી રૂ. ૨૪ કરોડનું કાળુ નાણુ પકડી પાડયું છે. નવા વર્ષની શરૂઆતમાં કામરેજ તથા શહેરના પાલ, બેગમપુરા વિસ્તારમાં ચાલતી બિલ્ડરોની કન્સ્ટ્રકશન સાઇટ પર સર્વેની કામગીરી હાથ ધરી થોકબંધ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ કબ્જે લઇ ચકાસણી કરી હતી. સંપૂર્ણ કામગીરીના અંતે પાલના નિશાલ ગ્રૂપ તથા સુરતના જ બેગમપુરા વિસ્તારમાં હંસરાજ એસોસીએશન બિલ્ડરને ત્યાં સર્વે કર્યો હતો.

લગ્નનો વરઘોડો ન કાઢનાર દંપતીને મફતમાં હવાઈ યાત્રાઃ સુરતમાં વધતો ટ્રાફિક અને વાહનોના કારણે થતું પ્રદૂષણ અટકાવવા માટે પાટીદાર સમાજે લગ્નનો વરઘોડો નહીં કાઢવાની પહેલ કરી છે. હવે લગ્નનો વરઘોડો નહીં કાઢનાર નવદંપતીને મફતમાં હવાઇયાત્રા દ્વારા સોમનાથમાં દર્શન કરવાની તક મળશે. તે માટેની તમામ તૈયારીઓ સમાજે શરૂ કરી છે. લગ્નના વરઘોડાને કારણે ટ્રાફિક અને પ્રદૂષણ વધે છે. ત્રણેક વર્ષ પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓએ ભેગા થઈને લગ્નનો વરઘોડો નહીં કાઢવાની જાહેરાતની સાથે અપીલ કરી હતી. આ અપીલની અસર એ થઈ કે અડધા લગ્નોમાં વરઘોડો નથી નીકળતો. હવે વરઘોડા વગર લગ્ન કરનારા સેંકડો દંપતી પૈકી ચાર દંપતીને મફતમાં ચાર્ટર પ્લેનમાં સુરતથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે મોકલાશે. માત્ર ૫ કલાકમાં દંપતી સુરતથી સોમનાથ પહોંચીને દર્શન કરીને પરત ફરશે.

બે જૈન સાધ્વીને માર્ગ અકસ્માતઃ નવસારી નજીક નેશનલ હાઇવે નં.૮ પર આવેલા વેસ્મા ગામેથી ખડસુપા પાંજરાપોળ તરફ ગત સપ્તાહે મળસ્કે વિહાર કરી રહેલા પંજાબ કેસરી આચાર્ય વલ્લભ સૂરીશ્વરજી સમુદાયના ચાર જૈન સાધ્વીઓને પરથાણ ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં વ્હીલચેર પર બિરાજમાન સાધ્વીજીનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે સાધ્વી પુત્રીને ઇજા થતાં પ્રથમ નવસારી અને ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અન્ય સાધ્વીજીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો. આ ઘટનાના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જૈન સમાજમાં રોષ સાથે ઘેરા શોકની લાગણી ફરી વળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter