ડાંગના રાજવીઓ સાલિયાણામાં ૩૫૦ ટકાનો વધારો માગ્યો

Thursday 30th April 2015 07:33 EDT
 

વલસાડઃ સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે. જોકે આ સાલિયાણાની રકમ એવી નથી કે જેનાથી તેઓ આધુનિક અને વૈભવી જીવન જીવી શકે શકે. ગુજરાત સરકાર દ્વારા તેમને ડાંગ જિલ્લાના બજેટમાંથી દર મહિને નિભાવ માટે સીનિયોરિટી પ્રમાણ રૂ. ૬થી ૮ હજાર રૃપિયાનું સાલિયાણું ચૂકવવામાં આવે છે. હવે આ રાજવીઓને કારમી મોંઘવારીમાં સાલિયાણાની રકમ ઓછી પડે છે. તેથી એમણે મહિને રૂ. ૨૦ હજાર સુધીનું સાલિયાણું મેળવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે.

આ પાંચ રાજવીઓને છેલ્લે વર્ષ ૨૦૧૨માં અંદાજે ૨૫ ટકા સાલિયાણું વધારી અપાયું હતું, પણ હવે તેઓ જમાના પ્રમાણે ૩૫૦ ટકાનો નવો વધારો માગી રહ્યા છે. આ રાજવીઓના સહાયક નાયક, ભાઇબંધુઓને પણ પેન્શન વધારી આપવું પડશે.

રાજ્ય સરકારે સાલિયાણું વધારવા અંગે હજી કોઇ નિર્ણય લીધો નથી. અલબત્ત એવો વિચાર પ્રવર્તે છે કે ક્યાં સુધી આ સાલિયાણું ચાલુ રાખવું જોઇએ, કારણ કે, વખતોવખત તેમની માગણીઓ વધતી રહી છે.

આ રાજવીઓએ એક ટ્રસ્ટ બનાવ્યું છે. સરકાર આ ટ્રસ્ટને ડાંગના વિકાસના કામો સોંપે અને તેના દ્વારા એમના પરિવારોની તથા સહાયકોનો ગુજરાન ચાલે તેવી પણ એમની માગ છે. આ રાજવીઓ એમના બાળકોને માટે વધુ અભ્યાસ માટે અલાયદી અને નિશૂલ્ક સેવા માગી રહ્યાં છે. તદુપરાંત ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોના અંતરિયાળ રસ્તાઓ નવા તથા રિપેર કરવાની પણ એમની માગણી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter