ડાંગમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થશે

Friday 17th July 2015 07:36 EDT
 

આહવાઃ પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે. તેને વધુ લોકભોગ્ય બનાવવાનું મનોમંથન ડાંગ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગિરિમથક સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને અનુરૂપ સુવિધાઓ ઊભી કરવા તાજેતરમાં અહીં ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મલી હતી. જેમાં કલેક્ટર આદ્રા અગ્રવાલે ઉપસ્થિત વિવિધ પ્રતિનિધિઓને સૂચવેલા પ્રવાસન સ્થળોનો સંપૂર્ણ અભ્યાસ કરીને સત્વરે તેનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. જ્યારે સાપુતારા ખાતે નિર્માણાધીન રેકડી બજારની ડિઝાઈનમાં થયેલા ફેરફારો વગેરેને ધ્યાને લઈને તાત્કાલિક આ કામને પૂર્ણ કરવા પણ પ્રવાસન નિગમને સૂચના આપી હતી. અહીં વીજ પૂરવઠો સતત મળી રહે તે માટે કાર્યવાહી કરવા વીજ તંત્રને સૂચના આપી હતી.

સાપુતારા અને નવાગામની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે હયાત તળાવને ઊંડુ કરવા અને નવા તળાવના કામ અંગે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો મેળવી કલેક્ટરે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો જેવા કે ડોન, વઘઈનો ગીરાધોધ, ગીરમાળ (શિંગાણા)નો ગીરમાળ ધોધ, ચનખલ વિલેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વગેરેના વિકાસની શક્યતાઓ માટેની ચર્ચા થઇ હતી.

ગ્રીકની નાદારીની અસર અંકલેશ્વરના ઉદ્યોગોને થઇઃ એશિયાના સૌથી મોટા કેમિકલ કલસ્ટર તરીકે જાણીતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ ૨૦૦૯થી ક્રિટીકલ ઝોનની સમસ્યાને લઈ ઉદ્યોગોનું ઉત્પાદન ૫૦ ટકા ઓછું થઇ રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી અહીંના સ્થાનિક ઉદ્યોગો પર ગ્રીકની નાદારી અને ચીનમાં આવેલી આર્થિક મંદી અસર પડી છે. અહીંના અંદાજિત ૪૦ ટકાથી વધુ એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટમાં ઘટાડો નોંધાવાથી આર્થિક વ્યવહાર ખોરવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter