ડુમસનાં લંગર નજીક હિન્દુઓનું કબ્રસ્તાન

Thursday 31st March 2016 05:04 EDT
 
 

સુરતઃ ડુમસ આમ તો પર્યટનસ્થળ તરીકે જાણીતું છે. રજાના દિવસોમાં અહીં સુરતીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. જોકે અહીં જનારા લોકોને ભાગ્યે જ ખબર હશે કે અહીં એક હિન્દુઓનું પણ કબ્રસ્તાન આવેલું છે. આ વાત સહજ રીતે માનવામાં આવે તેમ નથી પરંતુ તે સત્ય હકીકત છે. ડુમસના લંગર પાસે આવેલા પાણીના કૂવાથી ભીમપોર તરફ જતાં આ જગ્યા આવેલી છે. ડુમસ, ભીમપોર અને સુલતાનાબાદમાં રહેતા કેટલાક હિન્દુ પરિવારો આજે પણ તેમના સ્વજનોને અગ્નિદાહ આપવાને બદલે તેમની દફનવિધિ કરે છે.

સુરતથી ૧૮ કિલોમીટર દૂર આવેલું ડુમસ ગામ તેના સૌંદર્ય અને દરિયા કિનારા માટે ખૂબ જ જાણીતું છે. સુરતની એક પણ વ્યકિત એવી નહીં હોય કે તેણે અહીંની મુલાકાત લીધી ન હોય. અહીંના લંગર પર આવેલા કૂવાથી ભીમપોર તરફ જવાના રસ્તે હિન્દુ સ્મશાનભૂમિ આવે છે. જોકે આ સ્મશાનભૂમિનો દરવાજો ખોલવામાં આવે તો ચોંકી જવાય તેમ છે. કારણ કે, અંદર તમને સંખ્યાબંધ કબરો નજરે પડશે. આ કબર કોની છે તેના નામ પર નજર કરશો તો તમામ નામ હિન્દુઓના જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નવાબકાળ હતો ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે અને આજે પણ યથાવત છે.

આ અંગે ડુમસ ગામમાં રહેતા મહેશભાઇ લાલા કહે છે કે, વર્ષો પહેલાં ડુમસમાં નવાબનું રાજ હતું. તે સમયે તેમના ગામના કેટલાક વડવાઓએ સતપંથ અપનાવ્યો હતો. સતપંથીઓની પરંપરા એવી છે કે તેમના નામ અને ધર્મ હિન્દુ હોય છે. તેઓ દેવી દેવતાની જ પૂજા પણ કરે છે. યાત્રાઓ કરે છે, પરંતુ તેમનાં મૃત્યુ બાદ અગ્નિ સંસ્કારના બદલે દફનવિધિ થાય છે. કેટલાક લોકો મૃતકની કબર ચણે છે. કેટલાક લોકો મૃતકની તખ્તી મુકાવે છે તો કેટલાકની કબર કાચી હોય છે. જ્યાં કાચી કબર હોય છે ત્યાં નિશાની માટે બે વાંસ પણ સાથે દાટવામાં આવે છે. નવાઈની એ વાતની છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો દુનિયાભરમાં મૃતકની દફનવિધિ જ કરે છે અને તેમનાં કબ્રસ્તાનો હોય છે તો દુનિયાના કોઇપણ ખૂણામાં હિન્દુઓ મૃત્યુ પામેલી વ્યક્તિની ક્યારેય દફનવિધિ કરતા નથી, પરંતુ આ એક જ ગામ એવું છે કે જ્યાં હિન્દુઓની કબરો આવેલી છે. જોકે, ધીરે ધીરે હવે લોકો દફનવિધિ કરવાને બદલે અગ્નિ સંસ્કાર તરફ વળી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter