દરિયા કિનારે પાંખોવાળો કાચબો આવ્યો

Friday 10th July 2015 06:20 EDT
 
 

સુરતઃ સામાન્ય રીતે પક્ષીઓને પાંખો હોય છે. પરંતુ પાંખો હોય તેવો એક કાચબો જોવા મળ્યો છે. સુરત નજીક મળી આવેલા એક કાચબાને પાંખો છે. તે ઉડી શકતો નથી પરંતુ પાંખોથી તે ખૂબ સરળતાથી તરી શકે છે. દુર્લભ પ્રજાતિનો આ દરિયાઇ ઓલીવ રિડલે કાચબો ડુમસના દરિયા કિનારેથી મળી આવ્યો છે.

ડુમસરોડ પર એરપોર્ટ પાછળના દરિયાકાંઠેથી સ્થાનિક લોકોએ બે ફૂટ જેટલું કદ અને ૨૨ કિલો વજન ધરાવતા આ દુર્લભ કાચબાને જોયો હતો.જોકે, તેની પાંખો પર ઇજા હતી. તેને નિષ્ણાતો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેની હાલત સારી હોવાથી તેને તરત જ તેને અનુકૂળ સ્થળે મુક્ત કરવો જરૂરી હતો. અંતે વન વિભાગ અને પ્રયાસ સંસ્થા દ્વારા તેને હજીરા નજીક દરિયામાં મુક્ત કરાયો હતો.

કાચબાને દરિયાના પાણીમાં છોડાતા જ તે પાંખો ફેલાવીને ઉંડા પાણીમાં જતો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter