દોસ્ત બની જાની દુશ્મનઃ સિંગર વૈશાલી બલસારાની હત્યા તેની જ બહેનપણીએ કરાવી હતી

Wednesday 07th September 2022 05:02 EDT
 
 

વલસાડ: શહેરના બહુચર્ચિત સિંગર વૈશાલી બલસારા હત્યાકેસમાં આઠમા દિવસે ભેદ પરથી પરદો ઊંચકાયો છે. વૈશાલી બલસારાની હત્યા તેની જ બહેનપણી બબિતા શર્માએ બે વ્યક્તિને 8 લાખ રૂપિયાની સોપારી આપીને કરાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. બબિતાએ વૈશાલી પાસેથી ઉછીના લીધેલા 25 લાખ રૂપિયા પરત આપવા ન પડે તે માટે ભાડુઆતી હત્યારા બોલાવીને વૈશાલીની હત્યા કરાવી નાખી હતી.
27મી ઓગસ્ટે સિંગલ વૈશાલી બલસારા ઘરે બહાર ગયા પાછી પરત ન ફરતા પરિવારે તેના લાપતા થયાની ફરિયાદ વલસાડ પોલીસ મથકમાં નોંધાવી હતી. બીજા દિવસે વૈશાલીનો મૃતદેહ તેની કારમાંથી પારડી પાસેથી મળી આવ્યો હતો. આ પછી વૈશાલીના પોસ્ટમોર્ટમમાં ખૂલ્યું હતું કે, હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. પોલીસ તંત્ર એક સપ્તાહથી કામે લાગ્યું હતું, તેની હવે મહેનત ફળી છે.
જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ હત્યાનો ભેદ ઉકેલવા પાંચ ટીમ બનાવી હતી. સૌથી પહેલા વૈશાલી ઘરેથી નીકળી અને લાશ મળી તે પારડી સુધીના તમામ સ્થળના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતા. આ પછી ઝીણી નજરે તેની તપાસ શરૂ થઇ હતી.
પોલીસને પહેલેથી શંકા હતી કે, હત્યામાં કોઈક નજીકની વ્યક્તિનો હાથ છે. શરૂઆતમાં વૈશાલીના પતિ સહિત પરિવારના સભ્યોની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કડી મળી ન હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે વૈશાલી ઘરેથી નીકળ્યા પછી અયપ્પા મંદિર પાસે કાર થોભાવે છે અને ત્યાં તેની સાથે એક ગર્ભવતી સ્ત્રી નજરે પડે છે. આ મહિલા વૈશાલીને એક થેલી આપે છે અને તેની કારમાં બેસી જાય છે.
થોડે દૂર અન્ય એક સીસીટીવીમાં કારમાં બેસેલી મહિલા કારમાંથી ઉતરી અત્યંત ઝડપથી ચાલીને જતી રહેતી દેખાય છે. જોકે કાચ પર ફિલ્મ હોવાથી ચહેરા સ્પષ્ટ થતા નથી. પોલીસે સાથે દેખાતી મહિલા અંગે તપાસ કરતાં ખબર પડી હતી કે, આ મહિલા વૈશાલીની બહેનપણી બબિતા શર્મા છે. જે વલસાડમાં કાપડની દુકાન ધરાવે છે. બબિતા ગર્ભવતી હતી તેણે શરૂઆતમાં પોલીસને માત્ર વૈશાલીને અયપ્પા મંદિર પાસે મળી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. જોકે આખરે રહસ્ય પરથી પરદો ઊંચકાયો છે.
બહેનપણીએ જ હત્યાનો પ્લાન ઘડ્યો
પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી બબિતાએ કબૂલ્યું હતું કે, વૈશાલી પાસેથી ઉછીના લીધેલા 25 લાખ રૂપિયા તે પરત આપી શકે તેમ ન હતી. આથી તેણે હત્યાની યોજના ઘડી હતી. બબિતા મૂળ મથુરાની હતી. તેણે કેટલાક ફેસુબક ફ્રેન્ડને હત્યાનો પ્લાન સમજાવ્યો હતો. અંતે 8 લાખ રૂપિયામાં વૈશાલીની હત્યા કરવાનું નક્કી કરાયું હતું. હત્યા પહેલાં ત્રણ વ્યક્તિ વલસાડ આવી પહોંચી હતી. બબિતા સાથે જ આ ત્રણ જણા હત્યા પછી લાશ અને કાર ક્યાં છોડી દેવા તેનું પ્લાનિંગ કરે છે. એ પછી બબિતા પારડીમાં કઈ જગ્યાએ કાર છોડી દેવી તે પણ બતાવે છે. નિયત પ્લાન અનુસાર, 27 ઓગસ્ટે બબિતા વૈશાલીને ફોન કરી 8 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ હોવાથી તે લઈ જવા બોલાવે છે. એ પછી કારમાં એક થેલી આપી કહે છે કે, અડધા પૈસાની વ્યવસ્થા થઈ છે. બાકીના પૈસા નજીકમાં મંદિર પાસેથી મળી જશે. અંતે બબિતા ભાડુઆતી હત્યારાને કારમાં બેસાડે છે અને બેભાન થવાની દવા સુંઘાડી પારડી પાસે લઈ જઈ ગળંુ દબાવી હત્યા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter