નરેન્દ્ર મોદી અને અમિત શાહની આકૃતિ ૨૪ કેરેટ સોનાના પતરામાં કંડારીને દિવાળીએ વેચાણ

Wednesday 14th November 2018 06:42 EST
 
 

સુરતઃ ધનતેરસના દિવસે દેશભરમાં સોનાની ધૂમ ખરીદી જોવા મળી હતી, પરંતુ સુરતમાં સોનાની ખરીદીમાં કંઈક અચરજ જોવા મળ્યું હતું. સુરતના એક જ્વેલરે ખાસ ધનતેરસના દિવસ માટે ૨૪ કેરેટ સોનાના પતરાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તસવીરો બનાવીને વેચાણમાં મૂકી હતી, જેની સુરતના નાગરિકોએ ઉત્સાહભેર ખરીદી કરી હતી. ધનતેરસે સોનાની ખરીદી થતી હોય છે ત્યારે કંઈક અનોખું કરવાના વિચાર સાથે સુરતના ડી. ખુશાલદાસ જ્વેલર્સે નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાંચ ગ્રામથી ૫૦ ગ્રામ વજનની ૨૪ કેરેટ સોનાની તસવીરો બનાવીને વેચાણમાં મૂકી હતી.
ધનતેરસે સોનું ખરીદવા આવતા નાગરિકો જ્વેલરીની આ દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલી નરેન્દ્ર મોદી અને અમિત શાહની સોનાની તસવીરો સાથેની ફ્રેમ જોઈને અચરજ પામ્યા હતા. આ ગોલ્ડન તસવીરો ખરીદવા માટે નાગરિકોએ પૂછપરછ કરી હતી અને એની ખરીદી પણ કરી હતી. ડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ કહ્યું હતું કે, દર વર્ષે ધનતેરસને દિવસે સોનાનું વેચાણ કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે કંઈક અલગ કરવાનો આઇડિયા આવ્યો હતો. હમણાં જ ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા બનાવી ત્યારે થયું કે નરેન્દ્ર મોદીને તાજેતરમાં એક એવોર્ડ મળ્યો છે અને વિશ્વમાં તેમની પ્રતિભા બની છે એટલે તેમની સોનાની તસવીરો બનાવીએ.
આ ઉપરાંત અમિત શાહની પણ લોકપ્રિયતા વધી છે ત્યારે આ બન્ને મહાનુભાવોની બે અલગ-અલગ સોનાની તસવીરો તેમ જ તે બન્નેની જુગલબંધી હોવાથી તેમની જુગલબંધી સાથેની તસવીરો બનાવી છે. ૨૪ કેરેટ સોનાના પતરામાં પાંચ ગ્રામથી લઈ ૫૦ ગ્રામ સુધીના વજન અને ૧૫ હજારથી લઈ દોઢ લાખ રૂપિયાની અલગ-અલગ વજનવાળી તસવીરો બનાવી છે. અમારા શોરૂમમાંથી આવી ૫૬ તસવીરોનું વેચાણ થયું છે અને ૧૦૦થી વધુ તસવીરોનું બુકિંગ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter