નવસારીમાં હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું!

Thursday 16th July 2015 06:42 EDT
 

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી હીરાઉદ્યોગનું બીજું મોટું મથક છે. હીરાઉદ્યોગની તેજી-મંદીની નવસારી પર પણ સીધી અસર પડે છે. અત્યારે હીરા ઉદ્યોગમાં શરૂ થયેલી મંદીની પરિસ્થિતિમાં નવસારીના એક હીરા વેપારીનું રૂ. ૯૦ લાખમાં ઉઠમણું થયું હોવાનું જાણવા મળે છે. આ ઉઠમણાથી નવસારીના ૧૨થી ૧૫ વેપારીઓને અસર થશે તેવી ચર્ચા સ્થાનિક હીરા બજારમાં થઇ રહી છે. ઉઠમણું કરનારા વેપારી સાથે બેઠકો બાદ ૪૨ ટકા રકમના ચૂકવણાની વાત પર સમાધાન થયું હોવાની પણ ચર્ચા છે.

સુમૂલ ડેરીમાં ભાજપની બહુમતીઃ સુરતની સુમૂલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ૧૬ બેઠકમાંથી ૧૧ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ડિરેકટરોનો વિજય થયો છે. જ્યારે માંડવી અને કામરેજ બેઠક જૂના ડિરેક્ટરોની હાર થઈ છે. કામરેજ બેઠક પર ટાઇ પડતાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના બે જૂથના મળી ૧૦ ઉમેદવારો વિજેતા થયા છે. જેને પગલે હવે ભાજપના મોવડી મંડળના આદેશ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે.

કાવી-કંબોઈનો રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કરાશેઃ જંબુસર તાલુકાના કાવી-કંબોઈના ધાર્મિક સ્થાનોને રૂ. ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું સરકારે આયોજન કર્યું છે. અહીંના જાણીતા સ્તંભેશ્વર મહાદેવના દર્શને આવતાં શ્રદ્ધાળુઓને વધુ સારી સવલતો મળી રહે તે માટે વહીવટીતંત્ર તરફથી પ્રયાસો શરૂ થયા છે. કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે શિવલિંગ પાણીમાં ડુબી જાય છે અને જ્યારે ભરતીનું પાણી ઓસરી જાય ત્યારે શિવલિંગ ફરીથી દૃશ્યમાન થાય છે. આથી સમુદ્ર દ્વારા શિવજીનો સીધો અભિષેક થતો હોય તેવું દૃશ્ય કંબોઈ ખાતે જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter