નવાપુર રેલવે સ્ટેશનઃ અડધું ગુજરાતમાં ને અડધું મહારાષ્ટ્રમાં

Friday 11th March 2016 04:16 EST
 
 

નવાપુરઃ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયની સરહદ વચ્ચેના વિશિષ્ટ પ્રકારના સીમાંકનથી મહારાષ્ટ્રના નવાપુર ગામના રેલવે સ્ટેશનનું અડધું પ્લેટફોર્મ ગુજરાતમાં તો અડધું પ્લેટફોર્મ મહારાષ્ટ્રમાં છે. આથી ૨૦૦ મીટરમાં ફેલાયેલા આ પ્લેટફોર્મના અધવચ્ચે બે ભાગ કરાયા છે અને એક છેડે ગુજરાત તરફ અને બીજે છેડે મહારાષ્ટ્ર તરફ એવું પાટિયું પણ લગાવાયું છે.

નવાપુર આમ તો મહારાષ્ટ્ર રાજયનું છેલ્લું ગામ છે, પરંતુ તેના રેલવે સ્ટેશનની બરાબર વચ્ચેથી ગુજરાતના તાપી જિલ્લાની શરૂઆત થાય છે. પ્લેટફોર્મ ઉપર મુસાફરો એક રાજયની સરહદ ઓળંગીને બીજા રાજયમાં ફરતા જોવા મળે છે. ટ્રેન ઊભી રહે ત્યારે તેનું એન્જિન ગુજરાતમાં તો તેના પાછલા ડબ્બા મહારાષ્ટ્રની સરહદમાં હોય છે. સ્ટેશન પર ફરજ બજાવતા રેલવે પોલીસ માટે દિવસમાં એક રાજયમાંથી બીજા રાજયમાં જવાનું સાવ સામાન્ય છે. ટ્રેનની રાહ જોઇને ઉભેલા મુસાફરો પણ જાણી જોઇને રમૂજ માટે સરહદ પાર કરતા રહે છે. પ્લેટફોર્મ પર બંને રાજયની હદનું નિશાન છે ત્યાં લોકો ઉભા રહીને ફોટા પણ પડાવે છે.

સૌથી રમૂજી વાત તો એ છે કે ગુજરાતમાં દારૂ પીવો, પીવડાવો, વેચવો કે લાવવો ગુનો છે જયારે મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી યુવાનો મહારાષ્ટ્ર તરફના ભાગમાં જઈને દારૂની ખાલી બોટલ સાથે ફોટા પડાવે છે અને એ બોટલ પછી ત્યાં મૂકીને ગુજરાત તરફ આવી જાય છે.

મહારાષ્ટ્રમાં નશો કરીને ગુજરાતમાં આવતા પ્લેટફોર્મ પર કોઈ આવી જાય તો તેના પર પોલીસ નશો કરવાનો ગુનો નોંધી શકે? એવો સવાલ રહે છે. જોકે આ રેલવે સ્ટેશન પર દારૂના મામલે ગુજરાતનો દારુબંધીનો કાયદો લાગુ કરાયો છે. તેથી નવાપુર રેલવે સ્ટેશન પર દારૂ પીવો નિષેધ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter