પૂર્વ પ્રધાન કાંતિ ગામીત સહિત ૧૯ પર જામીનમુક્ત

Thursday 24th December 2020 06:13 EST
 

વ્યારાઃ સોનગઢના ડોસવાડામાં પૌત્રીની સગાઈ વખતે ૧૦ હજારથી વધુની મેદની ભેગી કરીને કોવિડ ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર, પોલીસ ઇન્સપેક્ટર, ભાજપના આગેવાન, ફોટોગ્રાફર, રસોઈયા સહિત કુલ ૧૯ જણા સામે કોવિડ-૧૯ના જાહેરનામા ભંગની ફરિયાદ થતાં તમામની ધરપકડ કરાઈ હતી. આ ઘટના ૧૨ દિવસ બાદ તાપીની સેશન્સ કોર્ટે ફરી વાર ભીડ એકત્ર ન કરવાની શરતે તમામને કુલ રૂ. ૨૫,૦૦૦ના શરતી જામીન આપ્યા હતા. દરમિયાન તેઓના સમર્થનમાં કોંગ્રેસના એલાન પર સોનગઢ નગર બંધ રહ્યું હતું.
સોનગઢના ડોસવાડા ગામમાં ૩૦ નવેમ્બરે કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં લોકોની ભારે ભીડ થતા કોવિડ-૧૯ના જાહેરનામાંનો ભંગ થયો હતો. જેથી કાંતિ ગામીત અને તેમના પુત્ર - ગામના સરપંચ જીતુ ગામીત વિવાદમાં સપડાયાં હતા. ત્યારબાદ બીજી ડિસેમ્બરે જીતુ ગામીત સામે કોરોનાના જાહેરનામા ભંગના ગુનાની ફરિયાદ નોંધાઇ હતી. કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી આઇપીસી કલમ ૩૦૮નો ઉમેરો કરીને સુરત રેન્જ આઈજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મૂક પ્રેક્ષક બનેલા પી.આઈ સી. કે. ચૌધરી, હેડ કોસ્ટેબલ નિલેશ ગામીતને સસ્પેન્ડ કર્યાં હતાં. ત્યાર બાદ પીઆઇ સહિત કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, ભાજપના સોનગઢ પાલિકાના સભ્ય, મંડપવાળા, રસોઈયા, ફોટોગ્રાફર સહિત કુલ ૧૯ લોકોની ધરપકડ થઇ હતી. આ બિનજામીનપાત્ર ગુનામાં સોનગઢ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આદિવાસી નેતા પર ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter