બાહુબલી ફિલ્મનો સાઉન્ડ ડિઝાઇનર હતો રત્નકલાકાર

Monday 20th July 2015 11:43 EDT
 
 

સુરતઃ ભારતની અત્યાર સુધી સૌથી ખર્ચાળ ફિલ્મ ‘બાહુબલી’નું રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર મનોજ ગોસ્વામીએ સુરતમાં બે વર્ષ હીરા ઘસ્યા હતા. પછી તેણે મુંબઇમાં ઓફિસ બોય તરીકે કામ શરૂ કર્યું અને મહેનતથી સાઉન્ડ ડીઝાઇનર સુધીની સફર ખેડી છે. મનોજ ગોસ્વામી જૂનાગઢના જિલ્લાના વિસાવદરના વતની છે. તેઓ ગત સપ્તાહે સુરતનું મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું તેર વર્ષની ઉંમરે પ્રથમવાર સુરત આવ્યો હતો અને બે વર્ષ સુધી અહી હીરા ઘસ્યા હતા. પરંતુ આ કામમાં મન લાગતુ નહોતું. આ દરમિયાન સુરતના ડાયમંડ ઉદ્યોગ અંગે ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી બનાવવા આવેલા બોલિવૂડના જાણીતા સાઉન્ડ ડિઝાઇનર પી. એમ. સતીશ સાથે મારી મુલાકાત થઇ. તેમણે કહ્યું હતું તું મુંબઇ આવી જા. હું મુંબઇ પહોંચી ગયો, પરંતુ ઉંમર માત્ર ૧૫ વર્ષ હતી તો તેમણે કહ્યું તારા માટે હમણાં કોઇ કામ નથી. ત્રણ મહિના પછી તેમનો ફરી મેસેજ આવ્યો કે આવી જા અને ફરી મુંબઇ પહોંચી ગયો. ત્યાં જઇ મેં ઓફિસ બોય તરીકે કામ કર્યું. દિવસે કલાકારો અને મહેનાનોને ચા, કોફી પાણી આપતો રાત્રે કોમ્પ્યુટર પર સાઉન્ડ અંગેની માહિતી લઇને શીખતો અને ધીરેધીરે મેં સાઉન્ડ અંગે સોફટવેર વિશે ઘણું જાણ્યું. પછી મેં સૌપ્રથમ સાવરીયા ફિલ્મમાં આસિસ્ટન્ટ સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યુ અને ત્યારબાદ પી. એમ. સતીશ સાથે અત્યાર સુધી ૩૧ ફિલ્મોમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યુ છે.

વલસાડમાં બજરંગી ભાઈજાન ફિલ્મનો વિરોધઃ ગત સપ્તાહે પ્રદર્શિત થયેલી સલામાનખાન અભિનિત ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મનો વલસાડના રાજહંસ મલ્ટીપ્લેક્સ ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિરોધ કર્યો હતો. જેમાં ખાસ કરીને ભગવાન બજરંગીના નામ પાછળ ભાઈજાન શબ્દ લગાવાયો છે તે દૂર કરવા માગ થઇ હતી. આ સંગઠને ફિલ્મ જોવા આવતા દર્શકોને હનુમાન ચાલીસા ભેટ આપી વિરોધ કર્યો હતો. બજરંગી ભાઈજાન ફિલ્મ હનુમાનજીના નામના કારણે વધુ વિવાદાસ્પદ બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter