યુએસમાં મોટેલ ચલાવતા ભરથાણાના પટેલ દંપતી પર ફાયરિંગ, પત્નીનું મૃત્યુ

Thursday 11th March 2021 04:33 EST
 
 

સુરતઃ દક્ષિણ ગુજરાતના ભરથાણાના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ સંચાલક પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. જેમાં ૫૮ વર્ષીય ઉષાબહેન પટેલનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે પતિ દિલીપભાઈને પગ-છાતીના ભાગે ગોળી વાગતાં હાલ તેઓ સારવાર હેઠળ છે. આ ઘટના અમેરિકાના એલ્કટનના મેરીલેન્ડમાં બની છે.
ભરથાણાના દંપતી બે દસકાથી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ કરે છે. દંપતીના સ્થાનિક સંબંધીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે મોટેલમાં મોડી રાતે પતિ-પત્ની બેઠા હતા તે સમયે અજાણ્યા હુમલાખોરો ધસી આવ્યા હતા અને ફાયરિંગ કર્યુ હતું. શા માટે ફાયરિંગ કર્યુ તેની માહિતી નથી. પરિવારમાં તેમનો મોટો પુત્ર કેયૂર પરિણીત છે, જયારે નાના દીકરા કેતુલના લગ્ન બાકી છે. ભરથાણામાં તેમનું મકાન છે, પણ લાંબા સમયથી બંધ છે.
અમેરિકામાં હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયેલ છે અને મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા. ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો આવીને ફાયરિંગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા.
સંબંધીઓ શોકમાં ગરકાવ
તાત્કાલિક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્ની ઉષાબહેનનું મોત થઇ ગયું હતું. જોકે, પતિ દિલીપ હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની સુરતમાં રહેતા તેમના સંબંધીને જાણકારી મળતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
મોટો દીકરો પણ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગની ઘટના બનતી આવી છે. આ વખતે સુરતના દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter