યુનિક રેલવે સ્ટેશન માટે પ્રથમ MOU સુરતમાં

Wednesday 24th August 2016 08:04 EDT
 

સુરતઃ ભારતીય રેલવે તંત્રએ પીપીપી ધોરણે સ્ટેશન ડેવલપ કરવા દેશનો પ્રથમ એમઓયુ (સમજૂતીનો કરાર) ૧૭મી ઓગસ્ટે સુરતમાં સાઇન કર્યો હતો. આ સાથે જ સુરત રેલવે સ્ટેશનને મલ્ટિમોડેલ હબ સાથે આઇકોનિક સ્ટેશન તરીકે ડેવલપ કરવા સત્તાવાર મંજૂરીની મહોર મારી હતી. દેશના રેલવે પ્રધાન સુરેશ પ્રભુ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને સાંસદ સી. આર. પાટિલની હાજરીમાં રેલવે તંત્ર, જીએસઆરટીસી અને મહાપાલિકા વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં IRSDCના ચેરમેન મોહન તિવારી, GSRTCતરફથી એમડી પંકજ કુમારે અને સુરત મહાપાલિકા તરફથી મ્યુ. કમિશનર મિલિન્દ તોરવણે એમઓયુ સાઇન કર્યા હતા.
સુરત રેલવે સ્ટેશન રિ ડેવલપમેન્ટ માટે ડિસેમ્બર ૨૦૧૪માં દિલ્હી ખાતે જાહેરાત થઇ હતી. પ્રપોઝડ માસ્ટર પ્લાન તૈયાર કરાયો હતો. રૂપિયા ૩૦૦૦ કરોડના ખર્ચે ૨,૫૭,૩૦૬ ચો.મી જમીન ઉપર રેલવે સ્ટેશનને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે મલ્ટિમોડેલ હબ તરીકે ડેવલપ કરવા આયોજન થયું હતું. ૧૭મીએ આ પ્લાનિંગને નક્કર દિશા મળી હતી. ત્રણેય સ્ટેક હોલ્ડરની ઉપસ્થિતિમાં રૂપિયા ૩૭૬૫ કરોડનો સમજૂતીનો કરાર સાઇન થયો હતો. જેમાં સરકારનો હિસ્સો રૂપિયા ૬૪૫ કરોડ રહેશે. આ એમઓયુમાં રેલવે તંત્રની હિસ્સેદારી ૬૩ ટકા, જીએસઆરટીસીની ૩૪ ટકા જ્યારે ૩ ટકા પાલિકાની હિસ્સેદારી નક્કી કરવામાં આવી છે. લીઝ હોલ્ડરોને આવકારવા લીઝ પરિયડનો સમયગાળો ૪૫ વર્ષથી વધારી ૯૦ વર્ષ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter