લોર્ડ પારેખ, ફાધર વાલેસ અને સુધા મૂર્તિનું સુરતમાં સન્માન

Monday 09th February 2015 05:36 EST
 
 

વિવિધ ક્ષેત્રની ત્રણ હસ્તીઓને અહીંના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એસઆરકે ફાઉન્ડેશન તરફથી સંતોકબા એવોર્ડે પૂ. મોરારિબાપુના હસ્તે એનોયત થયો હતો.

આ સન્માનિતોમાં લોર્ડ પ્રો. ભીખુ પારેખ, ડો. સુધા મૂર્તિ અને ફાધર વાલેસનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ પોતાની માતાની સ્મૃતિમાં શરૂ કરેલા આ એવોર્ડમાં ત્રણેય મહાનુભાવને એવોર્ડ, સન્માનપત્ર તેમ જ રૂ. ૨૫-૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. ત્રણેય સન્માનિતોનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું હતું.

સન્માનના પ્રતિભાવમાં લોર્ડ ડો. ભીખુ પારેખે કહ્યું કે, હું નમ્રતાપૂર્વક એવોર્ડ સ્વીકારી રહ્યો છું. ગોવિંદભાઇએ રૂપિયા કમાતા અને વાપરતા શીખવ્યું છે. કમાવા માટે તેમને અભિનંદન અને વાપરવા માટે અભિવાદન. તેમણે મૂડીવાદની સ્પષ્ટ અને સચોટ વાત કરીને એવોર્ડ પોતાના માતા-પિતાને સમર્પિત કર્યો હતો.

ડો. સુધા મૂર્તિએ કહ્યું કે, જેમ સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેમ સફળ મહિલા પાછળ એક સમજદાર પુરૂષનો હાથ હોય છે. જીવનમાં પૈસાથી બધું ખરીદી શકાય પણ માતાનો પ્રેમ નહીં. પોતાના જીવન અંગે તેમણે કહ્યું કે, હું મધ્યમવર્ગમાંથી આવું છું. અત્યારે પણ એ જ જીવન જીવું છું અને એ જ રીતે જીવનનો ત્યાગ પણ કરીશ. તેમણે સંસ્કૃત શ્લોકનાં આધારે આઠ પ્રકારનાં પ્રેરણાદાયી ફૂલની વાત કરી જીવનને એ ફૂલોથી સુશોભિત કરવાની પ્રેરણા આપી હતી. સુધા મૂર્તિનાં પુસ્તકો અંગ્રેજીમાં છે તેથી સૌથી વધુ રોયલ્ટી અંગ્રેજીમાંથી જ મળે છે, પણ ૧૨ જેટલી પ્રાદેશિક ભાષામાં તેનો અનુવાદ થાય છે. તેમાં સૌથી વધુ રોયલ્ટી ગુજરાતમાંથી મળે છે, તેમણે કહ્યું હતું. આ એવોર્ડ માટે પોતાને નસીબદાર ગણાવ્યા હતાં.

અંતે સવાયા ગુજરાતી તરીકે જાણીતા ફાધર વાલેસે આ નિમિત્તે સંપૂર્ણ શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન આપતાં કહ્યું કે, ‘અહીં આવવાની ખુશી અનહદ છે. તમારા પ્રયત્નો કયારેય અટકાવવા નહીં, તમારા હિસ્સામાં જે કામ આવે તેને તમારી રીતે ઉત્તમ પ્રકારે કરો પરિણામ જે હોય તે.’

ગુજરાતીમાં અવાર-નવાર બોલાતો ‘ચાલશે’ શબ્દ વિશે તેમણે તેમના પ્રથમ લેખને યાદ કરીને કહ્યું કે, ‘ચાલશે જેવો અપશુકનિયાળ શબ્દ ગુજરાતીમાં બીજો કોઇ નથી.’ ફાઉન્ડેશનના ગોવિંદભાઇ ધોળકિયાએ સ્વાગત પ્રવચનમાં સંતોકબાના સંસ્મરણો વાગોળ્યા હતાં. અંતમાં મોરારીબાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter