વાઘદેવ અમારું રક્ષણ કરે છેઃ ડાંગી પ્રજા

Thursday 03rd November 2016 06:57 EDT
 
 

આહવાઃ ડાંગ જિલ્લાના દરેક ગામના છેડે એક નાનકડું લક્કડીયું, ઘાસની છત ધરાવતુ બાંધકામ અચૂક જોવા મળે. એ બાંધકામ એટલે વાઘ મંદિર. દેખાવે જોકે એ કોઈ રીતે મંદિર ન લાગે. વળી તેમાં વાઘની મૂર્તિ નહીં પરંતુ પાળિયા જેવા પથ્થરો હોય ઉભા હોય છે. એ પથ્થર પર વાઘ દોરેલાં હોય છે. આખુ વર્ષ એ ઝૂંપડી જેવું લાગતું બાંધકામ એમ જ રહે છે, પરંતુ વાઘ બારસના દિવસે દરેક ગામના છેડે આવેલા એ મંદિરોમાં જલસો ગોઠવાય છે.
વાઘ મંદિર કેમ?
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અમારી આદિવાસીઓની માન્યતા પ્રમાણે વાઘ જ અમારા ગામનું રક્ષણ કરે છે. એટલે દર વર્ષે એક વખત અમે વાઘ દેવતાની પૂજા કરીએ છીએ. વળી એક સમયે ડાંગના જંગલોમાં વાઘની વસતી જોવા મળતી જ હતી. ગીરમાં જેમ સિંહ રાજા છે, એમ આ જંગલોમાં વાઘ રાજાશાહી ભોગવે છે.જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી હોવાથી આદિવાસીઓ તેમની સામે બાથ ભીડવાને બદલે તેમને દેવના સ્થાને બેસાડીને પૂજે છે. વાઘથી ભય લાગે છે એટલે આદિવાસી પ્રજાએ પહેલેથી તેના પ્રત્યે આદરભાવ કેળવી રાખ્યો છે. ડાંગના દરેક ગામના છેડે આ પ્રકારના મંદિર જોવા મળે છે. આ વાઘ બારસના દિવસે પણ ડાંગી પ્રજાએ પરંપરાગત રીતે પૂજા કરી હતી. આ વિસ્તારમાં તૈયાર થયેલા પાક, નાળિયેર વગેરેનું પૂજા વખતે રોપણ કરવામાં આવે છે.
માત્ર ૧૮૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો આખા ગુજરતમાં સૌથી વધુ આદિવાસી વસતી ધરાવે છે. બદલાતા સમય સાથે અહીંની પ્રજાએ પોતાના શક્ય એટલા રીત-રિવાજો જાળવી રાખ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter