વાપીમાં બનશે પ્લાસ્ટિક માટે અનોખી યુનિવર્સિટી

Saturday 07th February 2015 06:47 EST
 

પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટ ઇન્ડિયા-૨૦૧૫ મહાપ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં ગત સપ્તાહે આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ‘દેશની આ પ્રકારની પહેલી આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી શરૂ કરવા માટે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટ્સ લોવેલનો સહયોગ મળશે. આ યુનિવર્સિટી સ્થાપાવાથી પ્લાસ્ટિક ક્લસ્ટર અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોને નજીક લાવવામાં મદદ મળશે. આ યુનિવર્સિટી માટે જીઆઇડીસી રાહતદરે ૪૦ એકર જમીન ફાળવશે. પ્લાસ્ટિક હવે જીવન ઉપયોગી વસ્તુઓનું એક અંગ બની ગયું છે અને ગુજરાત અંદાજિત ૬૫૦૦ પ્લાસ્ટિક ઉદ્યોગોમાં ૨૪૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવે છે તથા તેમાં ૬૧ હજાર લોકોને રોજગારી મળે છે. 

ગોધરા કાંડનો વોન્ટેડ આરોપી ઝડપાયોઃ દેશવિદેશમાં ચકચાર જગાડનાર વર્ષ ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનો માટે મુખ્ય કારણભૂત ગોધરાકાંડનો મુખ્ય આરોપી સલીમ જર્દા અઢી માસ પૂર્વે પેરોલ દરમિયાન વડોદરાથી ફરાર થયો હતો. જેને ભરૂચ પોલીસે ગત સપ્તાહે આમોદ પાસેથી વાહન ચેકીંગ વેળા પકડ્યો હતો.ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસનો કોચ એસ-૬ સળગાવવાની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને ફાંસીની સજા પામેલો સલીમ જર્દાને ગત નવેમ્બરમાં કૌટુંબિક કારણો માટે પેરોલ પર મુક્તી મળી હતી. ત્યારબાદ પેરોલ ભંગ કરી તે ફરાર થયો હતો. જેથી જર્દાને પકડવા પોલીસે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter