શ્રીમદ્ રાજચંદ્રે વાવેલા સેવાના બીજ વાવ્યા આજે વટવૃક્ષ બન્યા છેઃ વડા પ્રધાન

Friday 12th August 2022 06:00 EDT
 
 

સુરત: ‘જેમનું કર્તવ્ય અને ગુરુધર્મ જીવિત રહે છે તે અમર રહે છે, અને જેમના કર્મ અમર રહે તેમની ઊર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન એ શાશ્વત ભાવનાનું પ્રતીક છે. ધરમપુરમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણની સાથે એનિમલ હોસ્પિટલ અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વીમેનનો શિલાન્યાસ પણ કરાયો છે જેનાથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને લાભ થશે. શ્રીમદ રાજચંદ્રએ મૂકસેવકની જેમ સમાજ સેવાના જે બીજ વાવ્યા હતા તે આજે વટવૃક્ષ બન્યા છે.’ આ પ્રેરક શબ્દો વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે નિર્માણ થયેલી 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી શ્રીમદ્ રાજચંદ્ર ચેરિટેબલ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા.
‘રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ’
વડા પ્રધાને જણાવ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ છે. હું દાયકાઓ પહેલાં ધરમપુર અને સિદુમ્બર આવતો ત્યારે આપ સૌની વચ્ચે રહેતો હતો. આ મહાન ભૂમિ, પુણ્ય ભૂમિએ આપણને જેટલું આપ્યું છે તેનો એક અંશ પણ આપણે સમાજને પરત કરીએ તો સમાજમાં ખૂબ તેજીથી બદલાવ આવે, જેનાથી દેશ પણ મજબૂત બને છે. હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ સેવા આપવા જઈ રહ્યું છે, જે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવશે. શ્રીમદ્ રાજચંદ્ર એક દિવ્ય પુરુષ હતા. એક યુગપુરુષ હતા. ગાંધીજી કહેતા હતા કે, આપણે કેટલાય જન્મો લેવા પડશે પરંતુ શ્રીમદ રાજચંદ્ર માટે એક જીવન કાફી છે.’
રાજચંદ્ર આશ્રમ અદકેરું તીર્થસ્થાનઃ મુખ્ય મંત્રી
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશન આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે. માનવથી માંડીને પશુઓ માટે સેવા અને દયાની પ્રેરણા શ્રીમદ રાજચંદ્રએ આપી છે. આ મિશને આધ્યાત્મિક્તાના દ્વાર ખોલ્યા છે. ગુરુદેવ રાકેશજીની પ્રેરણાથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અદકેરું તીર્થસ્થાન બન્યું છે. જેઓ આધ્યાત્મિક્તાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. અવિરત વિકાસયાત્રાએ ગુજરાતને વિશ્વફલક પર મૂક્યું છે. ગુજરાત સૌના સાથ અને સૌના વિકાસનું મોડેલ બન્યું છે.
આ પાવન પ્રસંગે પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે શ્રીમદ રાજચંદ્રજીએ ગાંધીજીને આધ્યાત્મિક્તાનું જ્ઞાન આપી આપણને રાકેશજી જેવા ગુરૂ આપ્યા છે જેઓએ આદિવાસી વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી નાનામાં નાના વ્યક્તિને સારવાર મળે તે પ્રયાસ કર્યા છે.
ઉદઘાટન સમારોહમાં નવસારીના સંસદ સભ્ય સી.આર. પાટીલે જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરી તે મહત્ત્વનું છે પણ તેથી પણ વધુ મહત્ત્વનું એ છે કે આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના નિઃશુલ્ક સારવાર મળે તે મહત્ત્વનું છે. વર્ષ 2004માં 40 બેડથી શરૂ થયેલી આ હોસ્પિટલ હવે 250 બેડની થઈ છે.

આ ઉદઘાટન સમારોહ દરમિયાન રૂ. 70 કરોડના ખર્ચે નિર્માણ થનાર 150 વોર્ડની એનિમલ હોસ્પિટલ અને રૂ. 40 કરોડના ખર્ચે સાકાર થનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વીમેનનો શિલાન્યાસ પણ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter