સંક્ષિપ્ત સમાચાર (દક્ષિણ ગુજરાત)

Wednesday 11th April 2018 07:46 EDT
 

• ઘરકંકાસમાં પત્નીના આપઘાત પાછળ પતિએ જીવન ટુંકાવ્યું: જૂનાગઢ જિલ્લાના કેશોદના વતની અને સુરતમાં પુણાગામમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય કમલેશભાઈ ભીમજીભાઈ ગજેરા સ્ટોનમાં વપરાતા કોન બનાવવાનું કામ કરતા હતા. તેમનાં પત્ની ભાવિશાબહેને (ઉ.વ.૩૦) પાંચમી એપ્રિલે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિથી આ આઘાત ન જીરવી શકાતાં તેમણે પણ આપઘાત કર્યાનું બહાર આવ્યું હતું. મોડી સાંજે કમલેશભાઈનો મૃતદેહ મોટા વરાછા વિસ્તારમાં આવેલી ચોપાટીમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. દંપતી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ઘરકંકાસ ચાલતો હોવાનું પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું. પત્ની મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી બંને વચ્ચે કંકાસ થતો હોવાનું પણ તેમના પરિવારે પોલીસને જણાવ્યું હતું.
• રામદાસ આઠવલેને સુરતમાં કાળો ખેસ પહેરાવાયોઃ સામાજિક ન્યાય અને અધિકારીતાના કેન્દ્રમાં રાજ્ય કક્ષાના પ્રધાન રામદાસ આઠવલે પત્રકાર પરિષદમાં એટ્રોસિટી એક્ટ અંગે આઠમી એપ્રિલે વાત કરતા હતા. સરકાર દલિત વિરોધી નથી અને આ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગઇ છે તેવી વાત તેઓ કરતા હતા ત્યારે તેમની બરોબર પાછળ ઉભેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્ર કૃણાલ સોનવણેએ તેમને કાળો ખેસ પહેરાવી સુરક્ષાદળો અને પોલીસની હાજરીમાં ‘મોદી દલિત વિરોધી છે.’ તેવા નારા લગાવતા હોબાળો મચી ગયો હતો. પોલીસે તુરંત જ કૃણાલને બાનમાં લીધો હતો.
• સુપ્રીમના સ્ટેથી ગજેરા બંધુઓને રાહતઃ કતારગામ પોલીસ સમથકમાં વસંત ગજેરા, ચુની ગજેરા સહિત કુલ ૧૦ આરોપીઓ સામે હાઇ કોર્ટના આદેશ બાદ જમીન પચાવી પાડવા સંબંધિત નોંધાયેલી બે જુદી-જુદી ફરિયાદ મામલે છઠ્ઠી એપ્રિલે સુપ્રીમ કોર્ટે ફરિયાદની તપાસ સામે સ્ટે આપી એક રીતે ગજેરા બંધુઓને આંશિક રાહત આપી છે. હાલ પૂરતી આ કેસમાં આરોપીઓની ધરપકડ થઈ શકશે નહીં. હવે આ કેસની વધુ સુનાવણી આગામી ૨૬મી એપ્રિલના રોજ થશે. જેમાં સુપ્રીમ કોર્ટ આગળનો દિશા નિર્દેશ નક્કી કરશે. પોલીસ અને મૂળ ફરિયાદી સામે નોટિસ ઇશ્યુ કરવાનો પણ હુકમ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter