સાહિત્યકાર, રેશનાલિસ્ટ પ્રા. રમણભાઈ પાઠકનું નિધન

Saturday 14th March 2015 07:10 EDT
 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું. સદ્ગતની ઇચ્છા મુજબ તેમના દેહનું વલસાડ મેડિકલ કોલેજને દાન કરાયું હતું. વાંચન, વિજ્ઞાન, ચિંતન, પ્રવાસ, લેખન એમના રસના વિષયો હતા. ગુજરાતીમાં પ્રથમ નંબરે સુવર્ણચંદ્રક મેળવીને એમ.એ. થયેલા રમણભાઈનું વતન પંચમહાલ જિલ્લાના રાજગઢ ગામ હતું, જે આજે ગોઠના નામે જ ઓળખાય છે. આ નાનકડા ગામમાં મોટાભાઈ સુપ્રસિદ્ધ કવિ સ્વ. જયંતભાઈ પાઠક સાથે તેમનું બાળપણ વીત્યું હતું. 

વધુ એક હીરાવેપારીનું ઉઠમણુંઃ હીરા વેપારીઓના ઉઠમણાનો સીલસીલો યથાવત રહ્યો છે. મુંબઈના એક મોટા હીરા વેપારીએ રૂ. ૬૦ કરોડથી વધુનું ઉઠમણું કર્યું હોવાનું બહાર આવતા સુરતમાં ચિંતા વ્યાપી છે. આ વેપારી વિદેશ ભાગી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુંબઈ હીરાબજારમાં ઊઠમણાંની આ ત્રીજી-ચોથી ઘટના છે. 

સુરત જિલ્લા પંચાયતની બેઠકોમાં વધારોઃ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુરત જિલ્લા પંચાયતની બેઠકોમાં વધારો થયો છે. રાજય સરકારના વિકાસ કમિશ્નરે સુરત જિલ્લા પંચાયતની હવે ૪૦ બેઠકો રહેશે તેવું જાહેરનામું બહાર પાડયું છે. અગાઉ ૩૫ બેઠકો હતી. અગાઉ વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે વસ્તી ગણતરી મુજબ જિલ્લાની વસ્તી અંદાજે ૧૨ લાખની હતી. હવે તેમાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ વધારો થયો છે, જેમાં ૨૦ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter