સુરત રેલવે સ્ટેશને માત્ર એક રૂપિયામાં પીવાનું પાણી મળશે!

Wednesday 03rd February 2016 07:56 EST
 

 મુસાફરો સસ્તા દરે રેલવે સ્ટેશન પર આરઓ વોટર મેળવી શકે તે માટે રેલવે તંત્રએ મુંબઈ ડિવિઝનના કેટલાક સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. જે મુજબ મુસાફરો એક રૂપિયામાં એક ગ્લાસ શુદ્ધ પાણી મેળવી શકશે. જાહેરાતમાં એમ પણ જણાવાયું છે કે, પ્રથમ તબક્કામાં સુરત રેલવે સ્ટેશને પણ એક વોટર વેન્ડિંગ મશીન મુકાશે. રેલવે સ્ટેશનના સ્ટોલધારકો દ્વારા પાણીની બોટલ પર પેસેન્જરો પાસેથી પડાવી લેવાતા વધારાના રૂપિયાના કારણે રેલવે તંત્રએ વોટર વેન્ડિંગ મશીન મૂકવાનો નિર્ણય કર્યો છે.
• દમણ નગરપાલિકાની ચૂંટણીમાં રેકર્ડબ્રેક ૭૪.૪ ટકા મતદાનઃ સંઘ પ્રદેશ દમણ નગર પાલિકાની ચૂંટણી ૩૦મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. જેમાં કુલ ૧૫ વોર્ડ પૈકીના ૧૪ વોર્ડ માટે ૪૩ બુથ પર નગરજનોએ પોતાના ઉમેદવારોને ભારે ઉત્સાહપૂર્વક મત આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં સવારે ૮થી સાંજે ૫ સુધી ૭૪.૪ ટકા રેકોર્ડબ્રેક મતદાન નોંધાવા પામ્યું હતું.
• બગુમરામાં ક્રીમસલાડમાંથી ઊંદર નીકળ્યોઃ પલસાણા તાલુકાના બગુમરા ગામે એક લગ્નપ્રસંગમાં ક્રીમસલાડ આઈસ્ક્રિમમાંથી ઊંદર નીકળ્યો હતો. તેથી આઇસક્રિમ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને પણ આ સ્થાનિક કંપની સામે પગલાં લેવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
• આઠ માસની બાળાના ગળામાં ફસાયેલી રિંગ કાઢાઈ! ઓલપાડના સાયણમાં રહેતા સુમનભાઈની આઠ માસની પુત્રી તૃપા એકાદ માસ અગાઉ રમતાં-રમતાં કિચેઈનની રિંગ ગળી ગઈ હતી. ગળાના ભાગે ફસાયેલી રિંગ કાઢવા માતા-પિતાએ પ્રયાસ કરતાં રિંગ વધુ અંદર ઉતરી ગઈ હતી. તબીબોએ શસ્ત્રક્રિયા કર્યા વિના રિંગ શરીરમાંથી બહાર નીકળે તે માટે કેળાં ખવડાવવાની સલાહ આપી હતી, પરંતુ આ કીમિયો કામ ન લાગતાં નવી સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના તબીબોએ દૂરબીનની મદદથી સર્જરી કર્યા વિના રિંગ બહાર કાઢી હતી.
• સુરતમાં સગીરા પર બળાત્કારના પ્રયાસમાં રિક્ષાચાલક પકડાયોઃ અઠવા ગેટના રેલવે પી. આર. એસ. સેન્ટર નજીક આવેલા પાલિકાના સુલભ શૌચાલયમાં કામ કરતી સફાઈ કર્મચારીની બાર વર્ષની પુત્રી શૌચાલય પાસે બેઠી હતી ત્યારે અચાનક આવેલો ઓટોરિક્ષા ચાલક ભાવેશ્વર યાદવ બળજબરીપૂર્વક છોકરીને શૌચાલયમાં ખેંચી ગયો અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરતો હતો. દરમિયાન કિશોરીએ ચીસો પાડી તે સાંભળીને પી. આર. એસ. સેન્ટરમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ભૂરાભાઈ શૌચાલયમાં પહોંચતા તેણે બાળકીને બચાવી હતી અને ભાવેશ્વર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.
• ચંદ્રકાન્ત ગોગરીને લિડરશિપ ઈન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે એવોર્ડઃ આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન ચંદ્રકાંત વી. ગોગરીને મુંબઈ ખાતે તાજેતરમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ તરફથી લાલા શ્રીરામ નેશનલ એવોર્ડથી સત્કારવામાં આવ્યા હતા. આ એવોર્ડ આરતી ઈન્ડસ્ટ્રીઝના લિ.ના ચેરમેન ગોગરીને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમના યોગદાનને લઈને લિડરશિપ ઈન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે આપવામાં આવ્યો હતો.
• બીલીમોરા પાસે નાંદરખામાં દીપડી પાંજરે પુરાઈઃ હજુ ધનોરીનાકા પાસે કૂવામાં પડેલો દીપડો ઝડપાયાની હકીકત ભુલાઈ નથી ત્યાં બીલીમોરા નજીક વધુ એક દીપડી તાજેતરમાં પકડાઈ હતી. નાંદરખા ગામના ઉગમણા ફળિયામાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં ચાર વર્ષની એક દીપડી પૂરાઈ હતી. જોકે, હજુ પણ દીપડાઓની અવરજવર હોવાથી આશંકાએ લોકો હજુ ઉચાટ અકબંધ રાખ્યો છે.
• સંસદીય સચિવે અડધી કાઠીએ ત્રિરંગો ફરકાવ્યોઃ નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નવસારીના લુનસી કુઈ ખાતે દબદબાભેર ઊજવણી કરાઈ હતી, પણ રાજ્યના સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણે ત્રિરંગાને ફરકાવવા જતાં ત્રિરંગો અડધી કાઠીએ જ રહી ગયો હતો અને આ સ્થિતિમાં જ સંસદીય સચિવ સહિત ઉપસ્થિત તમામે ત્રિરંગાને સલામી આપી દીધી હતી. પાછળથી આ બાબત એક પોલીસ જવાનના ધ્યાનમાં આવી હતી. આ જવાન ધ્વજદંડ ઉપર ચડી ગયો હતો અને ત્રિરંગાની ફસાયેલી દોરીને વ્યવસ્થિત કરીને સંપૂર્ણ
માનભેર ધ્વજને પૂર્ણ કાઠીએ લહેરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય કે દેશમાં કોઈ શોક પ્રસંગે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter