સુરતના ડોક્ટરે વિમાનમાં ૭૬ વર્ષીય વિદેશી વૃદ્ધ દર્દીને બચાવ્યા

Friday 04th May 2018 05:48 EDT
 

સુરતઃ લંડનથી મિનિયાપોલીસ જઈ રહેલા વિમાનમાં ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક વૃદ્ધ મુસાફરનું બ્લડ પ્રેશર વધી જવાની સાથે તેમની આંખમાંથી લોહીની ટશર ફૂટવા માંડી. તેથી ફ્લાઈટ ક્રૂ મેમ્બરે વિમાનમાં જાહેરાત કરી કે ફ્લાઈટમાં કોઈ ડોક્ટર પ્રવાસી હોય તો વૃદ્ધની મદદ કરે. ક્રૂમેમ્બરની જાહેરાત સાંભળીને ઘોડદોડ રોડના ડો. સંજીવ શાહના પુત્ર ડો. આદિત્ય શાહ ( આદિ ) ફ્લાઈટના ફર્સ્ટ કલાસમાંથી દોડીને આવ્યા હતા અને તુરંત ૭૬ વર્ષીય મુસાફર જીમ રોજર્સની સારવાર શરૂ કરી હતી. ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયેલા વૃદ્ધને તુરંત સારવાર મળવાથી તેમને તાત્કાલિક રાહત થઈ હતી.

ઘટના પછી ડો. આદિત્યએ કહ્યું હતું કે, ક્લિનિક હોય કે પ્લેન ડોક્ટર માટે દર્દી મહત્ત્વના હોય. પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ એટલાન્ટિક મહાસાગરની ઉપર ફલાઈટમાં હાજર ઈમરજન્સી દવાઓ અને અન્ય મુસાફરો પાસેની બ્લડ પ્રેશરની દવાઓ મેળવીને દર્દીને કઈ દવા માફક આવે એમ છે એ સમજીને તેને દવા મળી એ અગત્યનું છે. એ ઉપરાંત આંખ ઉપર બરફ મૂકીને તેમને ફલાઈટમાં ચત્તા સુવડાવી તેમનું પ્રેશર નિયંત્રણમાં લવાયું હતું.

આદિના પિતા ડો. સંજીવે જણાવ્યું હતું કે, દર્દીની હાલત હજુ પણ નાજુક હોવાનું જણાવતા આદિએ તુરંત ફલાઈટને નજીક આવી રહેલાં આયર્લેન્ડમાં ઉતારવા માટે સલાહ આપી હતી, જેની મંજૂરી મેળવી દર્દીને આયર્લેન્ડમાં બાકીની સારવાર આપીને ફરી ફલાઈટમાં લઈ જવાયા હતા. સુરતના આ સેવાભાવી આદિત્યની સેવા વિશે અમેરિકાની ફોકસ ન્યૂઝ ચેનલે પણ પ્રાઈમ ટાઈમના ન્યૂઝમાં નોંધ લઈને ડો. આદિત્યનો ઈન્ટરવ્યુ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter