સુરતમાં સ્થપાશે ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી

Saturday 07th February 2015 06:07 EST
 
 

 

રાજ્ય સરકારે હીરા વેપારીઓની સુવિધા માટે સુરતમાં ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને ગત સપ્તાહે પ્રધાન મંડળની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં સુરત, નવસારી, ભાવનગર અને અમરેલીમાં મળી વિશ્વના ૯૦ ટકા હીરાનું પોલિશીંગ-કટીંગ થાય છે, પરંતુ હીરાના વ્યાપાર માટેની સગવડ ઊભી થઇ નથી.

આ ડ્રીમ સિટી સાકાર થતા વિશ્વના અનેક દેશોના વેપારીઓ અહીં રફ હીરાનું સીધું વેચાણ કરી શકશે અને પોલીશ્ડ હીરા ખરીદવા માટે પણ અહીં અનુકૂળતા મળશે. આથી સુરતના વેપારીઓને હીરાના વેચાણ માટે હવે મુંબઇ સુધી જવું પડશે નહીં.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના હીરા બ્રુશ વેપારીઓ-વ્યવસાયિકોને રફ હીરા પોલિશીંગ-કટિંગ સાથોસાથ ઘર આંગણે જ હીરા વેચાણનું મોટું આંતરરાષ્ટ્રીય બજાર પુરૂં પાડવાના દૂરોગામી આયોજન સાથે ર૦૦૦ એકર વિશાળ જગ્યામાં આ સુરત ડ્રીમ સિટી સ્થપાશે.

આ પ્રોજેકટના અમલ માટે રાજ્ય સરકાર સ્પેશીયલ પરપઝ વ્હીકલ ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ સિટી કંપની લિમીટેડની રચના કરશે. સુરતના સ્માર્ટ સિટી તરીકે થઇ રહેલા આધુનિક વિકાસ કાયાકલ્પથી વાઇ-ફાઇ કનેકટીવિટી, સ્માર્ટ અને ઇન્ટેલીજન્ટ સિસ્ટમ તથા સપોર્ટીવ બેકઅપ સુવિધા અને ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિત હવાઇ સેવાઓની ઉપલબ્ધિ, એલીવેટેડ મોનોરેલ અને સુરતમાં હીરા વેપારની કુશળ તજ્જ્ઞતા સાથે જ ડાયમન્ડ સેકટરમાં સ્કીલ ડેવલપમેન્ટના નવાં ક્ષેત્રોથી સુરત માટે ઇન્ટરનેશનલ ડાયમન્ડ ટ્રેડિંગ હબની વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની છે. એટલું જ નહીં પ.૪૯૭ બિલિયન અમેરિકન ડોલર જેટલો ફાળો પણ જીડીપી.માં આ સેકટર દ્વારા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter