સેંગપુરમાં ગામલોકોના હાથમાંથી દાણા ચણતા મોર

Saturday 23rd July 2016 07:09 EDT
 
 

અંકલેશ્વરઃ સૂર્યોદય થાય અને મોરના મધુર ટહુકા કાને પડે એવું વાતાવરણ કોને ન ગમે? અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં મોરના ટહુકા સાંભળીને જ ગ્રામજનો પોતાના નિત્ય કામોમાં જોતરાવાની શરૂઆત કરે છે. રાષ્ટ્રીય પક્ષી મોરને શહેરી વિસ્તારમાં નિહાળવો દુર્લભ બને છે, પરંતુ અંકલેશ્વર તાલુકાના અને શહેરથી અંદાજે ૧૦થી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું સેંગપુર મોરનું અભ્યારણ છે અને ત્યાં તમને મોટી સંખ્યામાં મોર જોવા મળે.

મોરની ઘટતી વસ્તી

આજથી સાતેક વર્ષ અગાઉ સેંગપુરમાં જ્યારે મોરની ગણતરી કરાઈ ત્યારે અંદાજિત ૧૫૦૦ મોર હતા. આજે સેંગપુરમાં ૪૫૦ પરિવારોની વસ્તી છે અને છેલ્લી મોરની ગણતરી પ્રમાણે એક પરિવાર દીઠ એક મોર કહી શકાય તેટલા જ મોર અહીં જીવે છે. જોકે આ ગામના લોકો મોરને નુકસાન ન પહોંચે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે.

ગામલોક દ્વારા મોરની સંભાળ

મોરને નુક્સાન ન થાય તે માટે ગામમાં લોકો શ્વાન પાળવાનું પણ ટાળે છે. ઉપરાંત ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે પણ અનેકવાર વિચાર કરીને નિર્ણય લે છે. ગ્રામજનોએ મોરને માટે સુવિધાજનક અને મોરને અનુરૂપ વાતાવરણ વિકસાવ્યું છે. આ ગામમાં મોરની ઘટતી જતી વસ્તી માટે સ્થાનિકો દ્વારા તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

વ્યક્તિના હાથમાંથી દાણા ચણતા મોર

મોરની ઘટતી સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક પક્ષી પ્રેમીઓનું કહેવું છે કે વગડામાં કે જંગલમાં જે મોર હોય છે તે માનવ વસ્તીમાં ભળતા નથી, પરંતુ સેંગપુરના મોર આજે પણ આ ગામના માણસોના હાથમાંથી દાણા ચણે છે. સેંગપુરમાં મોરની સંખ્યા ઘટવા પાછળ ગ્રામજનો વધતા ઔદ્યોગિક પ્રદૂષણને જવાબદાર ઠેરવી રહ્યા છે.

મોરનું અસ્તિત્વ જાળવવા વનતંત્રને હાકલ

રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને વનરાજ સિંહની ઘટતી સંખ્યા સામે દેશમાં ચિંતા વ્યક્ત કરાઈ રહી છે અને પશુવધ સહિતના કાયદાઓ હેઠળ વન્ય પ્રાણીની સુરક્ષા માટે ભંડોળ ફાળવીને કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આવી જ વ્યવસ્થા અને સુરક્ષા મોર માટે પણ સેંગપુર ગામમાં વનખાતા તરફથી થાય તેવી લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter