સેવાના બદલે ખરેખર મેવા મળ્યા

Thursday 18th June 2015 05:56 EDT
 
 

નવસારીઃ એવું કહેવાય છે કે, ‘સેવા કરો તો મેવા મળે’. આવું જ કંઇક થયું છે અહીંના એક શ્રમજીવી પરિવાર સાથે. નવસારીનાં ખડસુપાગામે ત્રણ પેઢીની કરેલી પ્રામાણિક સેવા અને તેના બદલામાં દિલથી કરેલી કદરદાનીની અનોખી ઘટના જાણવા મળી છે. ત્રણ પેઢીથી ખડસુપામાં હળપતિ પરિવાર અમેરિકામાં વસતા પટેલ પરિવારની વિશાળ ખેતીની માવજત પોતાની માનીને કરતા હતાં. આ શ્રમજીવી હળપતિની વૃદ્ધાવસ્થાને ધ્યાનમાં લઇ પટેલ પરિવારે શ્રમજીવીની કલ્પના બહાર મોટો આધુનિક બંગલો, દોઢ વિઘા ખેતી અને સારું બેન્ક બેલેન્સની ભેટ આપતાં સેવક અને માલિકનાં નવા સંબંધનો નવો અધ્યાય રચાયો છે.

આજે ઘણા પરિવારોમાં લોહીનો સંબંધ પણ નથી ટકતો ત્યાં ત્રણ પેઢીની સેવાથી બંધાયેલો સંબંધ ટકે અને તેનું અકલ્પ્ય વળતર મળે તેવી ઘટના ખૂબ જ ઓછી બને છે.

આ કિસ્સાની વિગત મુજબ ખડસુપામાં રહેતાં રઘાભાઇ મોરારભાઇ પટેલની ૭૦ વિઘા ખેતીની જમીન હતી. જેને ગામના હળપતિ ગોપાળભાઇ ડાહ્યાભાઇ સાચવતા હતાં. ૧૯૪૪માં રઘાભાઇનું અવસાન થયું હતું ત્યારબાદ તેમના પુત્ર નારણજીભાઇ પટેલ ઉદ્યોગ-ધંધા માટે આફ્રિકા ગયા હતાં અને પોતાની માલિકીની જમીન ગોપાળભાઇનાં પુત્ર મંગાભાઇ હળપતિને સોંપી ગયા હતાં. વર્ષો સુધી આફ્રિકા બાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા, પરિવારનો વિસ્તાર થયો, હોટલ-મોટેલનો મોટો વ્યવસાય શરૂ કર્યો અને દર ચાર વર્ષે તેઓ વતનમાં આવતા ત્યારે તેમની ખેતી ચાકરી આ હળપતિ પરિવાર પ્રમાણિકતાથી કરતો હોવાનું ધ્યાનમાં આવતું. મંગાભાઇ હળપતિનાં અવસાન પછી તેમનો પુત્ર રવજીભાઇ હળપતિ (ઉ.વ. ૭૧) ખેતીકામ કરી ફરજ બજાવતા અને ઇમાનદારીથી હિસાબ આપતા જોઇ નારણભાઇનું હૈયું ગદ્ગદ્ થયું. તેમણે પોતાના બે પુત્રો અને બે પુત્રીઓને કહ્યું કે, રવજીભાઇ પ્રમાણિક છે. તેનાં પરિવારે આપણી સેવા કરી છે અને તે ગરીબ છે તેને એક સારો બંગલો, રૂપિયા અને ખેતી આપજો. આ વાત તેમણે પોતાના વીલમાં પણ લખી હતી.

વર્ષ ૨૦૦૦ની નારણભાઇનું (ઉ.વ. ૮૫) અવસાન થયું. આથી તેમનાં પરિવારે પોતાનાં પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. નારણભાઇનાં પુત્ર અરવિંદભાઇ પટેલ (ઉ.વ. ૭૧), દિનેશભાઇ પટેલ (ઉ.વ. ૬૯), પુત્રી ઉષાબેન પટેલ (ઉં. ૬૪), ઇંદુબેન પટેલ (ઉ.વ. ૬૨)એ મળીને પોતાના પરિવારની ચાકરી કરનાર હળપતિ પરિવારની વ્યવસ્થા કરવા માટે બીડું ઝડપ્યું હતું. અરવિંદભાઇ તેમના પત્ની મધુબેન સાથે છ મહિના અગાઉ ભારત આવ્યા હતાં અને તેમણે રવજીભાઇને ખડસુપાગામે આવેલા ખડકી ફળિયામાં તેમની અડધો વિઘા જમીનમાં બનેલા કાચા ઝુંપડાને બદલે એક બંગલો બનાવી આપ્યો. તેમને દોઢ વિઘા ખેતી પણ આપી તથા બેંકમાં મોટી રકમની ફીક્સ ડિપોઝીટ પણ કરી આપી. આ બંગલામાં જીવન જરૂરિયાતની તમામ સુખ-સગવડો આપી બંગલો હળપતિ પરિવારને સોંપ્યો હતો. હળપતિ પરિવાર પણ પોતાની કદરથી ગદ્ગદિત થઇ ગયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter