સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિષ્ઠિત વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ માટે નોમિનેટ

Wednesday 29th May 2019 06:22 EDT
 
 

વડોદરાઃ કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યુઝ એવોર્ડ ૨૦૧૯ની મિક્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જેની સત્તાવાર જાહેરાત વર્લ્ડ આર્કિટેક્ચરની વેબસાઇટ પરથી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના રોજ આ પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં કેવડિયા સરદાર સરોવર ડેમ નજીક સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બની છે. ૧૮૨ મીટર ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સંપૂર્ણ ડિઝાઇન અને બનાવટનું કામ એલએન્ડટી કંપનીએ કર્યું છે.

હાલમાં આ પ્રતિમાની મેન્ટેનન્સની જવાબદારી પણ આ જ કંપની નિભાવે છે. વર્લ્ડ આર્કિટેક્ચર સંસ્થા આર્કિટેક્ચરના જુદા જુદા વિભાગોમાં એવોર્ડ આપે છે. જેમાં વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડની મિક્સ કેટેગરીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. જેની સત્તાવાર જાહેરાત સંસ્થાની વેબસાઇટ પર કરાઈ છે. સંસ્થાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સંપૂર્ણ વિગતો પણ આપી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે પ્રયટન સ્થળ બનાવાયું હોવાથી વર્ષે અંદાજે ૧૫૦૦૦ લોકોને રોજગારી પણ મળે છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં આર્કિટેક્ચર ક્ષેત્રમાં વર્લ્ડ આર્કિટેક્ચર ન્યૂઝ એવોર્ડ ખૂબ જ પ્રતિષ્ઠિત મનાય છે. જેમાં વિશ્વભરના શ્રેષ્ઠ આર્કિટેક્ટ દ્વારા પોતાના ડિઝાઇન રજૂ કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter