૧૮૮૧માં રૂ. ૪૫ લાખના ખર્ચે બનેલો ગોલ્ડનબ્રિજ ૧૩૮ વર્ષે અડીખમ

Friday 10th May 2019 06:37 EDT
 
 

ભરૂચ: નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના દિવસે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માત્ર રીવેટના ઉપયોગથી બનેલો સવા કિમી લાંબો ગોલ્ડનબ્રિજ ૧૬મી મેએ ૧૩૮ વર્ષ પૂર્ણ કરશે. નર્મદા નદી પર સમયાંતરે રેલવે માટે સિલ્વરબ્રિજ, વાહન વ્યવહાર માટે જૂનો સરદારબ્રિજ, નવો સરદારબ્રિજ અને કેબલ સ્ટેઇડબ્રિજનું નિર્માણ કરાયું છે. હાલ ગોલ્ડનબ્રિજને સમાંતર નવો ફોર લેન નર્મદા મૈયા બ્રિજ પણ તૈયાર કરાયો છે.

ભૂતકાળમાં ભરૂચ શહેર તેના ટ્રાફિકજામ માટે પંકાયેલું હતું, પણ હવે સમયની સાથે નવા બ્રિજોનું નિર્માણ થઇ રહ્યું હોવાથી ભરૂચના માથેથી આ કલંક દૂર થઇ રહયું છે. ગોલ્ડનબ્રિજનું ૨૦૧૨માં રંગરોગાન કરાવાયું હતું અને તેની પાછળ રૂ. ૨.૫૦ કરોડનો ખર્ચ કરાયો હતો. ૧૩૭ વર્ષથી ગોલ્ડનબ્રિજ ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચે લાઇફલાઇન બની રહયો છે. ગોલ્ડન બ્રિજ ઘણા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો સામનો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter