૩ ઓગસ્ટથી નાસિક-સુરત વચ્ચે ફ્લાઇટ શરૂ

Wednesday 29th July 2015 09:48 EDT
 

સુરતઃ મુંબઇની શ્રીનિવાસ એરલાઈન્સે ૩ ઓગસ્ટથી સુરત-નાસિક અને નાસિક-પૂણે વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. પૂણે અને સુરતથી શિરડી સાંઈબાબાના દર્શને જતા પ્રવાસીઓને ધ્યાને રાખી આ સેવા શરૂ થઇ રહી છે. પૂણેથી વહેલી સવારે ૧૦ બેઠકોવાળું વિમાન નાસિક આવશે, જે નાસિકથી સુરત આવી ફરીથી નાસિક જશે.
શ્રીનિવાસ એરલાઈન્સ ગણેશ નિબે જણાવ્યું હતું કે, ૩ ઓગસ્ટથી આ સેવા શરૂ થશે. કંપની અત્યારે મુંબઈ-નાસિક વચ્ચે સોમવારથી શનિવાર સુધી ડેઈલી ફ્લાઈટ ચલાવે છે. નાસિકથી બપોરે વિમાન સુરત આવશે તથા બપોરે ૧ કલાકે નાસિક જવા ઉપડશે. પૂણે-નાસિક વચ્ચેનું ભાડું રૂ. ૫૫૦૦ રાખવામાં આવ્યું છે. જ્યારે સુરત-નાસિકનું ભાડું રૂ. ૬૦૦૦ રહેશે. જોકે, આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર પ્રમોદકુમાર ઠાકરેએ જણાવ્યું હતું કે, ૩ ઓગસ્ટથી કોઈ પ્રાઈવેટ ચાર્ટર્ડ ફ્લાઈટ સુરતથી શરૂ થવા જઈ રહી છે તેની કોઈ સત્તાવાર શિડ્યુલ સાથેની વિગતો હજુ મળી નથી.

વલસાડના ઠગ દ્વારા રૂ. ૨૨ કરોડની ઠગાઇઃ વલસાડના ઠગે દક્ષિણ ગુજરાતના અનેક લોકો સાથે અંદાજે રૂ. ૨૨ કરોડની ઠગાઇ કરી હોવાનો કેસ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ઓછા સમયમાં નાણાં ડબલ કરી આપવાની લાલચમાં વલસાડ, અંકલેશ્વર અને ભરૂચ સહિતના વિસ્તારના ૨૫થી વધુ રોકાણકારો ફસાયા છે. વલસાડ પોલીસ સ્ટેશનમાં અરજી મુજબ વલસાડના તિથલ રોડ પર રહેતા રીતેશ સુરેશચંદ્ર પટેલે રાઈટ ટાઈમ માર્કેટિંગ કંપની અને ઊડાન અનલિમિટેડ કંપનીમાં રોકાણ કરવા લોકોનો સંપર્ક કર્યો હતો. રીતેશ પટેલે ટૂંક સમયમાં નાણા ડબલ થશે એવી લાલચ આપી હતી. રોકેલા નાણા પરત નહીં મળતાં રોકાણકારોએ પોલીસમાં રીતેશ વિરુદ્ધ અરજી કરી હતી.

સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીઃ સુરત જિલ્લા દૂધ ઉત્પાદક મંડળ (સુમુલ ડેરી)ની ચૂંટણી બાદ વ્યવસ્થાપક સમિતિની ગત સપ્તાહે પ્રથમ બેઠક મળી હતી. જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ તરીકે માંગરોળ તાલુકાનાં મોસાલી દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિ રાજેશ પાઠક અને ઉપપ્રમુખ તરીકે ઉમરપાડાના રિતેશ વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સુમુલ ડેરીની ચૂંટણીમાં વ્યવસ્થાપક સમિતિની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૦ બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારોને મળી હતી. જ્યારે છ બેઠક કોંગ્રેસ સમર્થિત ઉમદેવારોના ફાળે ગઈ હતી. બેઠક મળે એ પહેલા જ ભાજપે પ્રમુખપદે રાજુભાઈ પાઠક અને ઉપપ્રમુખપદે રીતેશ વસાવાના નામનાં મેન્ડેટ જારી કર્યા હતાં 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter