૮ વર્ષના જોડિયા બાળમુનિ ભાઈઓ દ્વારા અઢી કલાકમાં ૩૫૦ શ્લોક કંઠસ્થ

Wednesday 09th August 2017 10:32 EDT
 
 

સુરતઃ જૈન ધર્મ અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઘટના બની છે જે જેમાં જોડિયા બાળમુનિઓએ માત્ર અઢી કલાકમાં જૈન ધર્મના અઘરા કહી શકાય તેવા પાક્ષિક સૂત્રના ૩૫૦ ગ્રંથોને માત્ર અઢી કલાકમાં કંઠસ્થ કર્યા હોય. ટ્વિન્સ બાળમુનિઓએ ગયા વર્ષે સુરતમાં દીક્ષા લીધી હતી. બે વર્ષ પૂર્વે તેમણે સુરતમાં અર્ધશતાવધાન અને સંયુક્ત શતાવધાન કરી સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રાજસ્થાન જૈન સંઘ, પુણેમાં ચાતુર્માસમાં બિરાજમાન આચાર્ય નયચંદ્રસાગર સૂરિ મહારાજના શિષ્ય અભિનંદનચંદ્રસાગર મહારાજની નિશ્રામાં બાળમુનિઓ નમિચંદ્ર અને નેમિચંદ્રસાગરજીએ પ્રાકૃત ભાષામાં બનેલા ગ્રંથોને કંઠસ્થ કર્યા હતા.
આ અંગે અભિનંદનચંદ્ર મહારાજે જણાવ્યું કે, પકખી સૂત્ર પ્રાકૃત ભાષામાં બન્યો છે અને બાળમુનિઓએ પ્રાકૃત ભાષાનો જરાય અભ્યાસ કર્યો નથી. ૩૫૦ ગાથાને માત્ર અઢી કલાકમાં એટલે કે, એક મિનિટમાં મુનિઓએ બે શ્લોક કંઠસ્થ કર્યા હતા. અનુષ્ટપ છંદના એક શ્લોકમાં ૩૨ અક્ષર હોય છે. બાળમુનિઓએ જૈનધર્મના વિવિધ ગ્રંથોને મળીને કુલ ૨૦૦૦ શ્લોક કંઠસ્થ કર્યાં છે. સાથે ભાગવત ગીતા તથા કુરાનના પણ કેટલાક અંશ કંઠસ્થ કર્યાં છે. બાળમુનિઓને તમામ ધર્મના ગ્રંથો કંઠસ્થ કરાવવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. પહેલાં તેમણે ૮ વર્ષની ઉંમરમાં સુરતમાં સંયુક્ત શતાવધાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેથી શિક્ષણપ્રધાનના હસ્તે તેમને બાળશતાવધાની પદવી અપાઈ હતી. જૈન ધર્મમાં વિશ્વમાં માત્ર અઢી કલાકમાં ૩૫૦ શ્લોક કોઈએ કંઠસ્થ કર્યાં હોય તેવી આ પ્રથમ ઘટના છે.
પાક્ષિક સૂત્ર શું છે?
પાક્ષિક સૂત્ર જૈન સાધુ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે. પાક્ષિક સૂત્રમાં પાપોના પશ્ચાતાપનું વર્ણન છે. એક રીતે જોવા જઇએ તો સાધુ માટે સંવિધાન ગ્રંથ છે. ગ્રંથનું વાંચન સાધુ જીવનના પ્રથમ તબક્કામાં કરવું અનિવાર્ય છે. દરેક સાધુ-સાધ્વીજીઓ જ્યાં સુધી ગ્રંથ કંઠસ્થ નથી કરતાં ત્યાં સુધી અન્ય ગ્રંથોનું વાંચન કરવા માટે ગુરુદેવો પરવાનગી નથી આપતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter