અમદાવાદઃ રાજ્યના ૨૯ જિલ્લાના ૧૬૮ તાલુકામાં સારો વરસાદ થતાં ખેડૂતો અને વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં ૧૨મીએ છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર-પૂર્વમધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લામાં ૧૧૩ મિમી, વસલાડના કપરાડામાં ૧૦૫ મિમી, મહેસાણામાં ૧૦૪ મિમી અને મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં ૯૮ મિમી મળીને કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
ડાંગ જિલ્લામાં ૧૨મી જુલાઈએ સતત ત્રીજા દિવસે મેઘસવારી જારી રહેતાં ડાંગની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. ઘાટના માર્ગો પર ભેખડો-વૃક્ષો ધસી પડતાં કલાકો સુધી માર્ગો બંધ રહ્યા છે. વરસાદના પગલે ગત ચોમાસે નહીં ભરાયેલું સાપુતારાનું સર્પગંગા તળાવ ત્રણ દિવસમાં ૯૦ ટકા ભરાઇ ગયું છે.
અમદાવાદમાં લાંબા વિરામ બાદ ૧૧મીની સાંજથી જ વરસાદી માહોલ હતો. ૧૧મીએ અડધોથી એક ઇંચ વરસાદ સાથે ૧૨મીએ પણ સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. ૧૨મીએ સવારે ૬થી સાંજના ૪ વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ ૨૧ એમએમ વરસાદ નોંધાયો હતો.


