દમણ નર્સિંગ કોલેજનાં આચાર્યાની હત્યાઃ લાશ કારમાં સળગાવી દીધી

Thursday 10th March 2022 05:40 EST
 
 

વાપી: સેલવાસના ટોકરખાડા સ્થિત મેડિકલ કેમ્પસના સ્ટાફ કવાર્ટસમાં રહેતાં અને દમણની નર્સિગ કોલેજમાં આચાર્યા તરકે ફરજ બજાવતાં કનીમોઝીની હત્યા કરીને લાશ સળગાવી દેવાતાં લોકોમાં અરેરાટી પ્રસરી છે. આચાર્યા કનીહમોઝી ૨૮મી ફેબ્રુઆરીએ સવારે તેમના નિત્યક્રમ મુજબ નર્સિંગ કોલેજે જવા માટે નીકળ્યા બાદ ગુમ થયા હતા. સેલવાસ પોલીસે હાથ ધરેલી તપાસમાં દમણના એક શકમંદ યુવકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે કોલેજમાં જ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મોટી દમણના યુવક સાવન પટેલે કોલેજની ફીનાં નાણાંની ઉચાપત કરી હતી. આ નાણાકીય ગેરરીતિ પકડાઇ જતાં આચાર્યા કનીમોઝીએ સાવનને આકરો ઠપકો આપ્યો હતો. તેમજ તેને ઉચાપત કરેલાં ફીના નાણાં સત્વરે કોલેજમાં જમા કરાવી દેવા જણાવ્યું હતું. આથી સાવન રોષે ભરાયો હતો અને ૪૫ વર્ષીય મહિલા પ્રિન્સિપલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જે અનુસાર તે 28 ફેબ્રુઆરીએ કનીમોઝીના કોલેજ જવાના માર્ગ પર રાહ જોઇને ઉભો રહ્યો હતો. કનીમોઝીની કાર આવતાં જ તેણે લિફ્ટ માગીને કાર અટકાવી હતી. રસ્તામાં તેણે કનીમોઝીની હત્યા કરી નાંખી હતી. અને પોતાના આ કૃત્યને છુપાવવા માટે લાશ સાથે કાર હંકારીને દમણ અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલા તરકપારડીના અવાવરું વિસ્તારમાં પહોંચ્યો હતો. અહીં તેણે લાશને કારમાં જ સળગાવી દીધી હતી. સેલવાસ પોલીસે હાલમાં દમણના એકાઉન્ટન્ટ યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ફરિયાદ બાદ પોલીસે બારીકાઇથી તપાસ કરતા ૬ દિવસ પછી કનીમોઝીની સંપૂર્ણ સળગી ગયેલી કાર સાથે લાશ મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter