દયાબહેને ત્રણ કલાકની બ્રેઈન સર્જરીમાં સતત ગીતાના શ્લોકોનું પઠન કર્યું

જિતેન્દ્ર ઉમતિયા Monday 11th January 2021 10:50 EST
 
 

અમદાવાદઃ આજના યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગયા છે તેવામાં પણ ઘણાં કિસ્સા એવા બને છે કે જેને જોઈને વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. તાજેતરમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ભરતભાઈ બુધેલિયાના ૩૬ વર્ષીય ધર્મપત્ની દયાબહેનની અવેક બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે ત્રણ કલાકની આ અત્યંત જટિલ અને જોખમી સર્જરી દરમિયાન દયાબેને ભગવદ ગીતાના શ્લોકોનું સતત ગાન કર્યું હતું. ભરતભાઈ ભાવનગર જિલ્લાના લીમડા હનુભાના મૂળ વતની છે. હાલ તેઓ પરિવાર સાથે સુરતના કતારગામમાં રહે છે અને તેમનો વ્યવસાય એમ્બ્રોઈડરી કામનો છે. વાત એમ હતી કે દયાબેન ગઈ ૧૩ ડિસેમ્બરે તેમના ટુ વ્હીલર પરથી પડી ગયા હતા. પડ્યા પછી તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા. વધુ તપાસ કરતા તેમને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. તેમના પતિ ભરતભાઈએ જણાવ્યું કે ૨૦ ડિસેમ્બરે દયાબેનને ઝાયડસ હોસ્પિટલમાં સિનિયર ન્યુરો સર્જન ડો. કલ્પેશ શાહ પાસે ચેકઅપ કરાવ્યું હતું. તેમણે સર્જરી કરવાની સલાહ આપતા દયાબેન ૨૨ ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડો. કલ્પેશ શાહ અને તેમની ટીમે ૨૩ ડિસેમ્બરે તેમની બ્રેઈન સર્જરી કરી હતી. ડો. શાહ આ પ્રકારની સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. આમ તો તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી વિવિધ પ્રકારની ન્યૂરો સર્જરી કરે છે. પરંતુ, ૧૨ વર્ષથી તેઓ અવેક બ્રેઈન સર્જરી પણ કરે છે. અત્યાર સુધીમાં તેમણે આવી ૯,૦૦૦ જેટલી સર્જરી કરી છે.
ડો. કલ્પેશ શાહે ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર્દી સતત ત્રણ કલાક સુધી ઓપન સર્જરીમાં ગીતાના શ્લોકનું પઠન કરતું હોય એવું આટલા વર્ષોમાં તેમણે ક્યારેય જોયું નથી. દયાબેનનું ટ્યુમર ડાબી બાજુએ સ્પીચ એરિયામાં હતું. આ ભાગની સર્જરી અત્યંત જટિલ અને જોખમી હોય છે. આમ તો મોટાભાગની સર્જરી દર્દીને બેભાન કરીને કરવામાં આવતી હોય છે પણ મગજની આ પ્રકારની ગંભીર સર્જરીમાં દર્દીને અવેક એનેસ્થેસિયા આપવામાં આવે છે જેથી ઓપરેશન વખતે દર્દીને બોલવામાં કોઈ તકલીફ થાય કે પછી લકવાની અસર જણાય તો ડોક્ટરને તેની જાણ થાય અને તે ત્યાં અટકી શકે.
તેમણે ઉમેર્યું કે આ સર્જરીમાં થોડી પણ ચૂક થાય તો દર્દીને લકવો થઈ શકે અથવા તેની સ્પીચ હંમેશ માટે જઈ શકે તેમ હતું. પરંતુ, દયાબેન સતત ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરતા રહ્યા અને ઓપરેશન એકદમ સફળતાપૂર્વક પાર પડ્યું. દયાબેનને કોઈ તકલીફ થઈ નહીં. ઓપરેશન થિયેટરમાં હાજર સ્ટાફે આવું પહેલા ક્યારેય જોયું નહોતું તેથી તેમણે એક નાનકડો વીડિયો પણ લઈ લીધો જેમાં દર્દી સ્પષ્ટ ઉચ્ચારો સાથે ગીતાના શ્લોકનું પઠન કરતા જણાયા હતા. સર્જરી સફળ રહ્યા પછી ૨૫ ડિસેમ્બરે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ભરતભાઈએ જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે પત્નિને બ્રેઈન ટ્યુમર છે ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા. પરંતુ દયાબહેનને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ તેમના માતા-પિતા પાસેથી ગીતાના શ્વોક શીખ્યા છે અને વર્ષોથી તેઓ ગીતાનું પઠન કરતા આવ્યા છે. તેમના બન્ને બાળકોને પણ દયાબહેને ગીતાના શ્લોક શીખવ્યા છે અને તે પણ ગીતાના શ્લોકનું પઠન કરે છે. ભરતભાઈએ ઉમેર્યું કે ઈશ્વરની કૃપાથી તેમના પત્નીનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તેઓ પાછા સુરત જઈ શક્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter