ગાંધીનગરઃ કલમ ઇતિહાસ લખે છે, અને ઇતિહાસ સર્જે પણ છે. દરેક યુગમાં લેખક અને પત્રકાર પરિવર્તનનો વાહક બને છે. ગુજરાતમાં પણ તેવી પ્રતિભાઓની ખોટ નથી એમ ગુજરાતનાં રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યએ એકસાથે ત્રણ પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતું.
26 નવેમ્બર , 2023ની સાંજે ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી અનૌપચારિક બેઠકમાં સંસ્કૃત નાટકમાં વત્સરાજના પ્રદાન વિશેનો સ્વ. ડો. આરતી પંડ્યાનો સંશોધનાત્મક ગ્રંથ તેમ જ વિષ્ણુ પંડ્યાની સાથે લખેલા “ક્રાંતિ કી ખોજમે , પંડિત શ્યામજી કૃષ્ણવર્મા “ (હિન્દી) તેમ જ “ક્રાંતિ પથ પર પ્રણય ના ફૂલ “ (ગુજરાતી) એમ ત્રિવિધ ભાષાના પુસ્તકોનું લોકાર્પણ કરતાં રાજયપાલશ્રીએ વિષ્ણુ પંડ્યાના સાહિત્ય, પત્રકારત્વ અને ઇતિહાસના ક્ષેત્રે મહત્વના પ્રદાનને બિરદાવતા કહ્યું કે તેમણે માત્ર લેખન કર્યું તેવું પણ નથી, કટોકટી અને સેન્સરશિપના અંધાર યુગમાં સંઘર્ષ કરીને જેલવાસ પણ ભોગવીને ઇતિહાસ બદલવામાં પણ ભાગ ભજવ્યો હતો. તેમના 150 થી વધુ પુસ્તક-લેખનને અભિનંદન આપતા નવી પેઢીને પ્રેરણા આપે તેવી શુભેચ્છા આપી.
બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો. અમી ઉપાધ્યાયે સ્વાગત કરતાં કહ્યું કે આ સંસ્કૃત પુસ્તકનું પ્રકાશન કરીને અમારી યુનિવર્સિટીએ જ્ઞાનની ચેતનાનું કાર્ય કર્યું છે. ઇતિહાસ સંશોધન કેન્દ્રના મહામંત્રી ડો. દર્શન મશરૂએ આભાર વિધિ કરી હતી.સંશોધન પુસ્તકનું સંપાદન કરનારા વિદ્વાન ડો. વિજય પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.