દરેક વિદ્યાર્થીના મનમાં ‘વ્હાય એન્ડ વ્હાય નોટ’નો પ્રશ્ન ગૂંજવો જોઈએઃ મુકેશ અંબાણી

Wednesday 17th December 2025 04:46 EST
 
 

ગાંધીનગરઃ શિક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પીડીઇયુ)ના 13મા પદવીદાન સમારોહને સંબોધતા ટોચના ઉદ્યોગપતિ અને આ શિક્ષણ સંસ્થાનના સ્થાપક મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ગ્રેજ્યુએટ થયેલા પ્રત્યેક વિદ્યાર્થીના દિલોદિમાગમાં વ્હાય એન્ડ વ્હાય નોટનો પ્રશ્ન સતત ગૂંજવો જોઇએ.
તેમણે કહ્યું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં પીડીઈયુએ 50મું સ્થાન હાંસલ કર્યું છે. સ્ટેનફોર્ડ ગ્લોબલ લિસ્ટમાં અહીંની ફેકલ્ટીને વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકો તરીકે માન્યતા અપાઈ છે. યુનિવર્સિટીએ 100થી વધુ પ્રભાવશાળી સંશોધનપત્રો અને 100થી વધુ પેટન્ટ પ્રકાશિત કર્યાં છે તેના માટે અભિનંદનના અધિકારી છે. આ યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો અને અમે એ પડકાર ઝીલી વર્લ્ડક્લાસ યુનિવર્સિટી બનાવવાનું અમારું વચન પૂર્ણ કર્યું છે. વિદ્યાર્થીઓને જોઈને લાગે છે કે તેઓ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાને મજબૂત બનાવવા વિશ્વકક્ષાની પ્રતિભાને ઉજાગર કરશે.
આ પ્રસંગે ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન અને સમારોહના મુખ્ય મહેમાન સુધીરભાઈ મહેતાએ વક્તવ્યમાં કહ્યું કે, આ યુનિવર્સિટીને વર્લ્ડક્લાસ બનાવવાની આગેવાની મૂકેશભાઈ અંબાણીએ લીધી, પરિણામે શિક્ષણની દુનિયામાં આજે યુનિવર્સિટીનું નામ ચમકી રહ્યું છે. યુનિવર્સિટીના ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓએ તેને વૈશ્વિક આકાર આપ્યો છે. અહીં ભણીને વિદ્યાર્થીઓ કંઈક મેળવી ચૂક્યા છે, કંઈક બન્યા છે. હવે દેશને તેમની પાસેથી કંઈક વિશેષની અપેક્ષા રહેશે. પ્રથમ દીક્ષાંત સમારોહમાં 132 વિદ્યાર્થીઓ હતા. હવે પૂર્વ વિદ્યાર્થીની સંખ્યા 16,700થી વધુ સ્નાતકો સુધી પહોંચી ગઈ છે. આજે 40 પીએચડી સહિત 2195 વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા છે.
તેમણે કહ્યું કે ઇતિહાસ દર્શાવે છે કે, રાષ્ટ્રો વિજ્ઞાન અને તકનિકમાં ત્યારે જ આગળ વધે છે, જ્યારે તેમની પાસે વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ હોય. અમેરિકા શ્રેષ્ઠ યુનિવર્સિટીના લીધે અમેરિકા બન્યું. યુરોપે આ સત્ય ખૂબ પહેલાં જાણ્યું, જાપાને તે કર્યું અને ચીન પણ કરી રહ્યું છે. હવે ભારતનો વારો છે. નવી ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પરમાણુ ટેક્નોલોજી, અવકાશ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને જીવન વિજ્ઞાનમાં સખત વૈશ્વિક સ્પર્ધા છે. આ દોડમાં ‘જો જીતા વહી સિકંદર’ બનશે અને તેમાં ભારત જીતશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter