ગાંધીનગરઃ ઉનાના મોટા સમઢિયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી અને વિસનગરમાં દલિતોની વિશાળ રેલીઓ નીકળી હતી. આ ઉપરાંત સાબરમતીના આચેર ડેપોનુ મેદાન કાદવ કિચ્ચડમાં ફેરવાતાં રાજ્યભરમાંથી ૧૬,૦૦૦થી વધારે ઉમેટેલા દલિત સમાજના નાગરિકોએ ૩૧મી જુલાઈએ રસ્તા ઉપર જ સ્ટેજ બાંધીને મહાસંમેલન યોજ્યું હતું. સંમેલનમાં મરેલા ઢોર ઉપાડવા અને ગટરોમાં ઉતરીને ગંદકી સાફ કરવાના કામને કાયમી તિલાંજલી આપવાની મહાપ્રતિજ્ઞા લેવાઈ હતી. આગામી પાંચમી ઓગસ્ટે અમદાવાદના સરસપુરથી ઊનાની પદયાત્રાની જાહેરાત કરતાં દલિત સામાજિક કાર્યકર્તા જિજ્ઞેશ મેવાણીએ ૧૫મી ઓગસ્ટે ઊનાના સમઢિયાળામાં સામાજિક ભેદભાવ અને દમનથી આઝાદીનો ઝંડો લહેરાવવા આ દલિતો પદયાત્રા કરશે તેવી જાહેરાત કરી હતી.
રવિવારે ગાંધીનગરમાં ઘ સર્કલથી પથિકાઆશ્રમ સુધી દલિત આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ૧૦૦૦ જેટલા દલિતો જોડાયા હતા. વડોદરામાં દલિતો દ્વારા ઉનાના આરોપીઓને જનમટીપની સજા કરવાની માગ થઈ હતી તેમજ સુરતમાં બાબાસાહેબ આંબેડકર વિચાર સંવર્ધક સમિતિ દ્વારા માનદરવાજાથી કલેકટર કચેરી સુધી રેલી નીકળી હતી અને કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.
દલિત યુવાનની સ્મશાન યાત્રા
ધોરાજીના મોટી પરબડી ગામના યોગેશ હરિભાઈ સારીખડા (ઉ.૨૨)એ ધોરાજીમાં દલિત આંદોલન સમયે ઝેરી દવા પી લેતાં સારવાર માટે પહેલાં રાજકોટ પછી તેમને અમદાવાદ ખસેડાયા હતા. સારવારમાં તેમનું મૃત્યુ નીપજતાં મૃતદેહ ધોરાજીના મોટી પરબડી ગામે લવાયો હતો. પહેલી ઓગસ્ટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી.
નોંધનીય છે કે ગૌ રક્ષાના નામે અત્યાચાર ગુજારવાના ગુનામાં ૩૦ લોકો સામે નોંધાયેલા ગુનામાં હાલ સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે ૨૯ની ધરપકડ કરી છે.


