અમદાવાદ: પાટણમાં દલિતોને જમીન આપવા મુદ્દે આત્મવિલોપન કરનારા દલિત ભાનુભાઈ વણકરનું ૧૬મી ફેબ્રુઆરીએ રાત્રે મોત થતાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રવિવારે બંધનું એલાન આપ્યું હતું. વણકરને આત્મવિલોપન પછી ધારપુર પછી મહેસાણા બાદ ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમના મૃત્યુ બાદ અમદાવાદ તથા ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બંધ નિષ્ફળ રહ્યો પણ તોફાનો થયાં હતાં. દરમિયાન, રવિવારે સવારે મેવાણી સરસપુરમાં બંધનું પાલન કરાવવા નીકળ્યા ત્યારે પોલીસ સાથે બોલાચાલીમાં મેવાણીએ પોલીસને ‘તારા બાપનું ગુજરાત છે?’ અને ‘લખોટા’ જેવી અભદ્ર ભાષા વાપરી હતી. જેનો વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ વકર્યો હતો.
મેવાણીની અટકાયત પછી ભાનુભાઈનાં પત્ની અને દલિત કાર્યકરોએ કહ્યું કે, મેવાણીને મુક્ત કરો બાકી મૃતકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. જેથી મેવાણીને રાત્રે છોડાયા બાદ ભાનુભાઇનો મૃતદેહ પરિવારે સ્વીકારીને ઊંઝામાં બૌદ્ધવિધિથી સોમવારે તેમના અંતિમસંસ્કાર થયાં. આ ઘટનાક્રમના તોફાનમાં પોલીસે રાજ્યમાં આશરે ૧૨૫થી વધુ લોકોની ધરપકડ કરી હતી.


