દલિત વરરાજાઓનાં વરઘોડા બાબતે રાજ્યવ્યાપી વિવાદ

Tuesday 14th May 2019 08:35 EDT
 
 

ગાંધીનગરઃ કડી તાલુકાના લ્હોર અને મોડાસાના ખંભીસર ગામે દલિત સમાજના યુવાનના લગ્નપ્રસંગે વરઘોડામાં વરરાજાને ઘોડા પર બેસીને ફૂલેકું નહીં કાઢવા દેવાની ઘટનાથી દલિત સમાજ રોષે ભરાયો હતો. આ ઘટના પછી રાજસ્થાનમાં દલિત સમાજની યુવતીને લૂંટી અને સામૂહિક બળાત્કારનો વીડિયો વાયરલ થયો હતો અને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં દલિત સમાજની યુવતીને હેરાન કરીને ત્રણ જણાએ તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખતા દલિત સમાજે રેલીઓ અને સભાઓ ભરીને એવી લાગણી વ્યક્ત કરી છે કે ઠેર ઠેર દલિત સમાજ પરના અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તેની સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે. હળવદ તાલુકાના દલિત સમાજે આ ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને ગુનો કરનાર આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. દલિત આગેવાનોએ આ દરેક બનાવો અંગે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે એવી માગ કરી છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ૧૮મીએ દલિત આંદોલનની ચીમકી સાથે કહ્યું છે કે, ગુજરાત માટે આ શરમજનક ઘટનાઓ છે. જે ગામમાં ઘટનાઓ બની છે ત્યાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન જાય અને પીડિતોની મુલાકાત લે. એક ઘટનામાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલે મહિલાઓ સાથે કરેલા દુવ્યવહાર બદલ તેમને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે.

લ્હોરમાં ૧૫૦ દલિતોનો બહિષ્કાર

કડી તાલુકાના લ્હોર ગામમાં ૭મી મેએ મનુભાઈ ભીખાભાઈ પરમારના પુત્ર મેહુલનો વરઘોડો નીકળ્યો હતો. દલિત યુવાન ઘોડે ચઢ્યો તેના બીજા દિવસે ગામના આગેવાનોએ ૧૫૦ દલિત પરિવારોનો ગામમાં બહિષ્કાર કરાયો હોવાનું જાહેર કર્યું હતું. આ દલિતોનાં અનાજ, પાણી બંધ કરી દેવાયા હતા. દલિતોને રિક્ષામાં સવારી પર પણ પ્રતિબંધ જાહેર કરાયો હતો. ત્યાં સુધી કે દલિતો સાથે પ્રેમભર્યું વર્તન કરનારને પણ રૂ. પાંચ હજાર દંડ કરવાની જાહેરાત થઈ હતી. ગામના આગેવાનોએ લીધેલા આ નિર્ણય સામે દલિતોએ પોલીસ રક્ષણ માગ્યું હતું. બાવલુ પોલીસ મથકમાં આ અંગેની નોંધાયેલી ફરિયાદમાં સરપંચની ધરપકડ કરાઈ હતી. ગામના અન્ય ૪ આગેવાનો સામે પણ કાયદેસર કાર્યવાહીની તજવીજ થઈ હતી. આ ઘટનાના સમાચાર ફેલાતા ગામમાં તંગદિલી પ્રસરી હતી જ્યારે રાજ્યભરમાં દલિત સમાજે ઘટનાનો વિરોધ કરતાં રેલીઓ અને સરઘસ કાઢ્યા હતાં.

મોડાસામાં પણ વરઘોડો કાઢવા મામલે ધમાલ

મોડાસા તાલુકાના ખંભીસરમાં પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્ન હતા. રવિવારે બપોરે તેનો વરઘોડો કાઢવાનું આયોજન હતું. અગાઉ અનુસૂચિત જાતિના કોઈ વરરાજાનો ગામમાં વરઘોડો નીકળ્યો નહોતો તેથી વરઘોડા માટે પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું. પોલીસ અધિકારીઓ સહિત પ૦થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે જયેશનો વરઘોડો સાંજે ચાર વાગ્યે નીકળ્યો ત્યારે અન્ય સમાજના લોકોએ હવનની યાત્રા કાઢી અને મહિલાઓએ ભજન શરૂ કર્યાં હતાં. પોલીસે મહિલાઓને દૂર રહેવા અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એકેય પક્ષ માન્યો નહીં. ભજન હતા તે માર્ગ ઉપરથી જયેશનો વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થયો. સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોવાથી ભારે પથ્થરમારામાં ૧૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. પથ્થરમારામાં બેન્ડ અને ડીજેમાં પણ તોડફોડ થઈ હતી. પોલીસના સરકારી વાહન ઉપરાંત અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન થયું હતું. જોકે પછીથી પરિસ્થિતિ પોલીસે કાબૂમાં લેતાં સોમવારે સીઆરપીએફનો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

પ્રાંતિજમાં વરઘોડાને દર્શન કરવા જતા રોકાયો

પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે પણ દલિત સમાજના અનિલભાઈ સોમાભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈના લગ્નનો વરઘોડો ડીજે સાથે મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. ડીજે સાથે વરઘોડાને મંદિર તરફ જતા અધવચ્ચે રોકાયો હતો. જોકે પછી પોલીસ રક્ષણમાં વરઘોડો મંદિરે પહોંચ્યો હતો અને દર્શન કરી પરત ફર્યો હતો.

વડાલીના ગાજીપુરમાં પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો

રાજ્યમાં દલિતોના વરઘોડાનો વિરોધ થતાં વડાલી તાલુકાના ગાજીપુરમાં દલિત સમાજના બાબુભાઈ શામળભાઈ ભાંભીએ દીકરા મેહુલના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા બાબતે વડાલી મામલતદારને લેખિતમાં અરજી આપી હતી. મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવા મંજૂરી આપી હતી અને પૂરતા પોલીસ બંદોબસ્તમાં વરઘોડો નીકળ્યો હતો.

કહોડામાં વાલ્મીકિ સમાજ માટે જમવાની અલગ વ્યવસ્થા થતાં વિવાદ

ઊંઝા તાલુકાના કહોડા ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન હતું. જેમાં આયોજકો દ્વારા વાલ્મિકી સમાજ માટે અલગ મંડપ બનાવાયા હોવાથી વાલ્મિકી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. અંતે મામલો પોલીસમાં પહોંચતા પોલીસે સમજાવટ કરીને મામલો શાંત પાડયો હતો. બાદમાં શાંતિપૂર્વક યજ્ઞનો કાર્યક્રમ આગળ વધ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter