જેતપુર: ધોરાજીમાં બીજી જૂને દલિત સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ૧૧ દલિત વરરાજાના વરઘોડામાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહીને સમાજમાં ઉમદા ઉદાહરણ આપ્યું હતું. ઉત્તર ગુજરાતના લ્હોર ગામે અને ખંભીસરમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે વરઘોડા બાબતે વિવિધ સમાજના લોકો દ્વારા થયેલા વિરોધ પછી અન્યે પણ દલિત વરરાજાના વરઘોડા બાબતે વિરોધ સર્જાયો હતો અને દલિતોના અપમાનનો મામલો સમગ્ર રાજ્યમાં પડઘાયો હતો. એ પછી રાજ્યમાં દલિતોનું માન જાળવી દલિત વરઘોડાને વધાવવાની પ્રેરણા પણ અપાઈ હતી. તેમાં એક ઉદાહરણ ઉમેરતાં ધોરાજીમાં સમસ્ત મેઘવાર સમાજના સહયોગથી રાષ્ટ્રીય દલિત મહાસંઘ તેમજ ડોક્ટર બાબા સાહેબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિજયનગરમાં દલિત સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા.
આ સમૂહલગ્નોત્સવમાં જાન લઈને આવેલા ૧૧ વરરાજાઓનો વરઘોડો કાઢવાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હિન્દુ સમાજ સાથોસાથ મુસ્લિમ સમાજ અને વિવિધ જ્ઞાતિઓના આગેવાનોએ હાજર રહી ૧૧ જાનનું સ્વાગત કર્યું હતું અને વરઘોડામાં રંગેચંગે જોડાયા હતા.
ચાંપતો પોલીસ બંદોબસ્ત
જેતપુરના ડીવાયએસપી જે એમ ભરવાડે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતની ઘટનાઓના પગલે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સઘન પોલીસ બંદોબસ્ત રખાયો હતો, પરંતુ ધોરાજીના તમામ સમાજના લોકોએ ૧૧ વરરાજાઓનું સન્માન કરીને તેમને ફૂલોના હાર પહેરાવીને તેમને વધાવ્યા હતા. તેથી માહોલમાં તંગદિલી છવાઈ નહોતી.


