ઉનાના સામઢીયાળી ગામમાં ચાર દલિતોને બાંધીને તેમની મારપીટ પછી દલિત સમાજ દ્વારા ન્યાયની માગ સાથે રોષ વ્યક્ત કરતાં ૨૦મી જુલાઈ સુધીમાં ૧૮ દલિત યુવાનોએ ઝેરી દવાઓ તથા એસિડ પી જવાની ઘટનાઓ બની હતી. ૨૦મી જુલાઈએ દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધને પગલે સમગ્ર રાજ્યમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજ્યમાં કેટલાક સ્થળે છૂટી છવાઈ હિંસાત્મક ઘટનાઓ બની હતી. ઉલ્લેખનીય છે કે, પાટીદારોના આંદોલન સમયે પ્રતીકાત્મક પગલાંને પરિણામે પોલીસે નાલેશી ભોગવવી પડી હતી. આથી, દલિત સમાજે કરેલા દેખાવો સમયે પોલીસે આકરા પગલાં લીધા હોવાનું જાણવા મળ્યું નહીં.
રાજ્યમાં દેખાવો અને રેલી
૨૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. દલિત સમાજની મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી અને ઠેર ઠેર રસ્તા પર બેસી જઈને તેમણે ચક્કાજામ કર્યો હતો. પોરબંદર-જૂનાગઢ, વંથલી-જૂનાગઢ અને જૂનાગઢ-સોમનાથ હાઈવે,રાજકોટથી મોરબી, ગોંડલ, જામનગર, જેતપુર તરફ જતા માર્ગો, ભાવનગર શહેર અને જિલ્લામાં મુખ્ય માર્ગો પર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા હાઈવે માલપુર રોડ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ શહેરમાં મુખ્ય ચાર, પાલનપુર-ડીસા રોડ પર ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો અને દેખાવો સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આક્રોષે ભરાયેલા દલિતોએ રસ્તા ઉપર અવરોધો મૂકીને અનેક જગ્યાએ કલાકથી બે કલાક સુધી રસ્તો બાનમાં લીધો હતો. વંથલીમાં દલિત બહેનોએ નેશનલ હાઇવે દોઢથી બે કલાક માટે બ્લોક કરી દીધો હતો. જેને પગલે આ રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને વાહનોની કતારો લાગી હતી. અમદાવાદમાં રોષે ભરાયેલાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. જોકે, બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ જવાનોએ લાઠીચાર્જ કરી સરકાર વિરોધી સૂત્રો પોકારતા લોકોને દોડાવ્યા હતા.
વાહન વ્યવહારને ગંભીર અસર
સૌરાષ્ટ્રમાં દલિત આંદોલનને પગલે એસ.ટી. વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. સાવચેતીના પગલાં રૂપે રાજકોટ ડેપોની આશરે પંચાવન, જૂનાગઢ ડેપોની આશરે ૫૦૦ તેમજ અમરેલી ડેપોની આશરે ૨૦૦ મળીને કુલ ૭૫૫ બસના રૂટ મંગળવારની રાત્રિથી રદ કરી દેવાયા હતા. ઉત્તર ગુજરાતથી અમદાવાદ તરફ આવતી રાજય પરિવહનની બસોને પણ સાવચેતીરૂપે બંધ કરી દેવાઈ હતી.
વેપારીને લૂંટી જનાર ત્રણ શખસો સામે ફરિયાદ
મોડાસામાં દલિતોની રેલી યોજાઈ હતી. જેમાં ટોળાએ દુકાન બંધ કરાવવાના મુદ્દે તોડફોડ મચાવી વેપારીઓને ક્રૂરતાપૂર્વક માર મારતાં પંથકમાં તંગદિલી સર્જાઈ હતી. ૨૦મી જુલાઈએ રેલી દરમિયાન થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અને અમદાવાદ ખાતે વધુ સારવાર હેઠળ ખસેડાયેલા વેપારી હિતેન્દ્રકુમાર દિનુપ્રસાદ જોષીએ નોંધાવેલ ફરિયાદમાં અમરતભાઇ કચરાભાઇ ચમાર તેમનો છોકરો,નટુભાઇ ચમાર નામના શખ્શનો મોટો છોકરો અને તેમના 9 જેટલા સાગરીતોએ લાકડીઓથી માર મારી ગળામાં પહેરેલો સોનાનો દોરો,હાથે પહેરેલ સોનાની પોચી અને રૂપિયા ૫૦ હજારની રોકડની લૂંટ મચાવી હોવાની ફરિયાદ મોડાસા ટાઉન પોલીસે નોંધાઇ હતી.
૫ સામે એકટ્રોસિટી
મોડાસાના માલપુર રોડ ઉપર સર્જાયેલ હિંસક અથડામણમાં ધનસુરાના રાહુલકુમાર સોલંકીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ અમારા સમાજના યુવકો માલપુર રોડ ઉપર દુકાનો બંધ કરાવી રહયા તે દરમ્યાન બાલાજી કોમ્પ્લેક્ષ નજીક દોડી આવેલા કાળીયો બાંમણ,મેહુલ જોષી, કાળીયા બાંમણનો ડ્રાયવર, સંજય ભાવસાર અને પુરોહિત મેઢાસણવાળા વિરુદ્ધ પોલીસે ઇન્ડિયન પીનલ કોડ સહિત એકટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાંચ ઇસમોએ હુમલો કરી યુવકોને માર માર્યો હતો.
ઉનાકાંડમાં કોઈનેય નહીં છોડાયઃ આનંદીબહેન
સમઢિયાળા ગામે દલિત યુવાનો ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારના દેશવ્યાપી ઘેરા પડઘા પડી રહ્યાં છે, ત્યારે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ ૨૦મીએ સમઢિયાળા ગામે તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં એમણે અસરગ્રસ્ત દલિતોને ન્યાય અપાવવાની અને કોઈપણ આરોપીને નહીં છોડવાની ખાતરી આપ્યા સાથે સરકાર તરફથી તમામ પ્રકારની સહાય-સુરક્ષા-સગવડો આપવાની હૈયાધારણા આપી હતી.
બુધવારે સવારે હવાઈ માર્ગે ઉનાના સમઢીયાળા ગામે પહોંચેલા આનંદીબહેન અત્યાચારનો ભોગ બનેલા ચાર દલિત પરિવારજનોને રૂબરૂ મળ્યા હતા. અસરગ્રસ્તો પૈકી બાલુભાઈ સરવૈયાના મકાનના ફળિયામાં મુખ્ય પ્રધાને બેઠક યોજી હતી, જ્યાં ગામના બધાં જ દલિત પરિવારો એકઠાં થયા હતા. અસરગ્રસ્ત બાલુભાઈ સરવૈયા આપવીતી વર્ણવતાં રડી પડયાં હતા. એ વખતે દલિત મહિલાઓ પણ હીબકે ચઢી હતી. એ જોઈને મુખ્ય પ્રધાન પણ ભાવુક બની ગયાં હતાં. એમણે સમગ્ર ઘટના બાબતે સરકાર ચિંતિત હોવાનું અને આવો અત્યાચાર ગુજારનારાઓને કડકમાં કડક સજા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી હતી. એમણે ભોગ બનેલા દલિત પરિવારોના સંતાનોનો અભ્યાસ ખર્ચ હોસ્ટેલ ખર્ચ સરકાર તરફથી ઉઠાવવાનું આશ્વાસન આપ્યું હતું. સ્થાનિક કલેક્ટરને એમણે ૨૪મી જુલાઈએ ગામમાં કેમ્પ યોજી પાકા મકાન સહિત સરકારી સહાય માટેના ફોર્મ ભરાવવા અને બે મહિનામાં આ યાદી તૈયાર રાખવા સૂચના આપીને કહ્યું હતું કે બે મહિના બાદ તેઓ પોતે ફરીથી ગામમાં આવશે.
'તમે અમારા માવતર છો, ન્યાય અપાવજો'
આનંદીબહેન પટેલ તેમના કાફલા સાથે ઉનાના સમઢાયાળા ગામની મુલાકાત બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં સારવાર લઈ રહેલા દલિત ઈજાગ્રસ્તોની મુલાકાતે લેવા પહોંચ્યા ત્યારે પીડિત વશરામભાઈ સરવૈયાએ એવી કાકલૂદી કરી હતી કે 'તમે અમારા માવતર છો, અમને ન્યાય અપાવજો ' મુખ્ય પ્રધાને આ તબક્કે વશરામભાઈના માથે હાથ મૂકી ન્યાયની ખાતરી આપી હતી.


