અમદાવાદઃ ૮૭ વર્ષ અગાઉ ૧૨મી માર્ચ ૧૯૩૦ના દિવસે મહાત્મા ગાંધીએ ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ નવસારી નજીક આવેલા દરિયાકિનારેના દાંડી ગામે આ યાત્રા પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે દાંડી યાત્રાની ઓળખ બની ચૂકેલો આ ફોટો ગુજરાતી ફોટોગ્રાફર કર્નલ બળવંત ભટ્ટ દ્વારા પાડવામાં આવ્યો હતો. એક નોંધ પ્રમાણે આ પ્રખ્યાત ફોટો હકીકતમાં રિ-ટેક છે. બન્યું હતું એમ કે દાંડી યાત્રીઓએ ચાલવાનું શરૂ કરી દીધું. એ વખતે કર્નલ ભટ્ટ બરાબર તૈયાર નહીં હોવાથી ફોટો બરાબર આવી શક્યો નહોતો. જેના લીધે તેઓએ ગાંધીજી અને અન્ય સાથીદારોને ફરીથી ચાલવા કહ્યું.
દાંડી સંઘે એમ કર્યું પણ હતું અને જેથી આપણને આ યાદગાર તસવીર મળી છે. આ ફોટો દાંડી કૂચ અસલાલીથી આગળ વધી ત્યારે પાડ્યો હોવાનું કહેવાય છે. રિટાયર્ડ કર્નલ બળવંત ભટ્ટ આજે કદાચ હવે કોઈને યાદ નથી. પરંતુ તેમણે પાડેલી દાંડી કૂચની આ તસવીરે ઈતિહાસમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે.


