દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટઃ હવે શાસનધૂરા ભાજપના હાથમાં સેલ્વાસ

સંઘપ્રદેશના સમાચાર

Saturday 24th September 2022 04:04 EDT
 
 

સેલ્વાસઃ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સાથે જોડાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે સામૂહિક પક્ષપલ્ટો કરતાં તખતો પલટાઇ ગયો છે. પંચાયતમાં માત્ર 3 બેઠક પર કબજો ધરાવતી ભાજપ હવે કિંગમેકર બની ગઈ છે.
મહત્ત્વનું છે કે મોહન ડેલકરના સમર્થકો અને જનતા દળ(યુ)નું ગઠબંધન સત્તા પર હતું. ડેલકર-જેડી(યુ)ના નિશાનથી ચૂંટાયેલા 17માંથી 15 સભ્યોએ એકસામટા પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. જિલ્લા પંચાયતની 20 બેઠકોમાંથી 17 પર જેડી(યુ) ગઠબંધનનો વિજયધ્વજ લહેરાયો હતો. ચૂંટણીમાં માત્ર 3 બેઠકો પર ભાજપનાં સભ્યોની જીત થઈ હતી. જોકે હવે માત્ર 3 સભ્યો ધરાવતી ભાજપ જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષ બની છે. જનતા દળ (યુ) ગઠબંધનના સભ્યોએ કલેક્ટરને મળીને લેખિતમાં જાણ કરી છે.
મહત્ત્વનું છે કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે જનતા દળ (યુ)એ પણ ઝંપલાવ્યું હતું. જેને દાદરાનગર હવેલીના મોહન ડેલકર અને દમણમાંથી યુથ એક્શન ફોર્સે સમર્થન કર્યું હતું. આ પછી ચૂંટણી પરિણામ આવતાં કુલ 20 બેઠકોમાંથી 17 બેઠકો ડેલકર-જેડી(યુ) જૂથના ફાળે ગઈ હતી. જોકે હવે 15 સભ્યોએ પક્ષપલ્ટો કરતાં હવે ભાજપ સાથે મળીને 18ના સંખ્યાબળ સાથે ભાજપ સમર્થિત જિલ્લા પંચાયતની રચના થશે. અંદરખાને રાજકીય સોગઠાં ગોઠવીને ભાજપની નેતાગીરીએ ખેલ પાડ્યો હોવાની વાતો વહેતી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter