દારૂ પી એર હોસ્ટેસની છેડતી કરનારા પેસેન્જરની ધરપકડ

Wednesday 31st March 2021 05:19 EDT
 
 

અમદાવાદ: કેરળના કોચીથી આવતી ઈન્ડિગો એરલાઇન્સની એર હોસ્ટેસને દારૂ પીને હેરાન કરનારા પેસેન્જરની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસે આરોપી સામે પ્રોહિબિશેનના ગુનો નોંધ્યો છે. મુંબઈની વતની અને હાલ અમદાવાદમાં રહેતી ૩૧ વર્ષની યુવતી ઇન્ડિગો એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, કોચીથી આવતી ફ્લાઈટમાં તે ડ્યૂટી પર હતી ત્યારે પેસેન્જર અભિરાજ મનુ માધવન જોર જોરથી બૂમ પાડીને કોફી માગતો હતો. આથી એર હોસ્ટેસ તેની પાસે ગઈ હતી, પણ પેસેન્જર તેની સાથે બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો અને બાજુમાં બેઠેલા પેસેન્જર પર ઢળી પડ્યો હતો. એનું નામ જાણવા અન્ય પેસેન્જરને પૂછ્યું તો તે ઉશ્કેરાઈ ગયો હતો. પેસેન્જર નશાની હાલતામાં હતો. તેણે કહ્યું હતું કે, નામ જાણવું હોય તો પેન અને કાગળ લઈ આવ. તેણે માસ્ક પણ પહેર્યું ન હતું. આ બનાવ અંગે એર હોસ્ટેસે ફ્લાઇટના કેપ્ટનને જાણ કરી હતી. ફરિયાદમાં એર હોસ્ટેસે આરોપ મૂક્યો છે કે, આ પેસેન્જરે ફ્લાઈટમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેસેન્જરે એર હોસ્ટેસને ‘ચાલ મારી સાથે’ કહી અડકવાનો પ્રયાસ કર્યો હતો અને રૂ. ૫૦૦, રૂ. ૧૦૦ અને રૂ. ૧૦ની નોટો ઉછાળવા લાગ્યો હતો. અમદાવાદ એરપોર્ટ આવતા એર હોસ્ટેસે સિક્યોરિટી ગાર્ડને જાણ કરી હતી. આથી એરપોર્ટ પોલીસે આરોપી પેસેન્જરને ઝડપી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter