અમદાવાદ: કાશ્મીરના પુલવામામાં ૨૬ ઓગસ્ટે નરોડાના શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન દિનેશ બોરસેનો પાર્થિવદેહ બીએસએફના એરક્રાફ્ટમાં ૨૭મી ઓગસ્ટે બપોરે એક વાગે અમદાવાદ એર પોર્ટ પર આવ્યો હતો. રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મહિલા અને બાળકલ્યાણ પ્રધાન નિર્મલાબહેન વાધવાણી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ૪ વાગે દિનેશના અંતિમ સંસ્કાર થયા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને શહીદ દિનેશને શ્રદ્ધાંજલિ આપવા માટે ઊમટી પડ્યા હતા.
દિનેશને યાદ કરતાં તેના બહેન ઊષા અને પિતા દીપકભાઈએ કહ્યું હતું કે, દિનેશે મૃત્યુના અઠવાડિયા પહેલાં વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે, હું રક્ષાબંધને ના આવી શક્યો, હવે નવરાત્રીમાં આવીશ. દીપકભાઈએ ભારે હૃદયે કહ્યું કે, તેના મિત્રએ ફોન પર કહ્યું કે તમારો પુત્ર મારી સાથે નોકરી કરે છે અને તેને ગોળી વાગી છે.
મારો પુત્ર દેશ માટે શહીદ થયો છે, તેનું અમને ગૌરવ છે, પરંતુ પાંચ માસના જયે તેના પિતા અને મેં એકનો એક દીકરો ગુમાવ્યો તેનું દુઃખ પણ છે. રાજ્ય સરકારે આર્થિક સહાય ઘોષિત કરી છે. એની સાથે નરોડામાં મારા પુત્રનું શહીદ સ્મારક બનાવવામાં આવે તેવી મારી ઇચ્છા છે.


