અમદાવાદઃ દિલ્હીમાં ૨૯મી મેએ જોરદાર પવન સાથે વરસાદ ખાબકતા દિલ્હી એરપોર્ટનો રેન-વે ક્લોઝ કરી દેવાયો હતો. જેના કારણે અનેક ફલાઇટના શિડયુલને અસર પહોંચી હતી. દિલ્હી જતી એક આંતરરાષ્ટ્રીય તેમજ ચાર ડોમેસ્ટિક ફલાઇટ્સને અમદાવાદ ડાયવર્ટ કરાતાં મોડી રાત સુધી એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું. જોકે કેથે પેસેફિકના ૨૦૦થી વધુ પ્રવાસીઓ અટવાતા તેમને ૨૪ કલાક બાદ રવાના કરાતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
દિલ્હી એરપોર્ટ પર રાત્રે અચાનક વાવાઝોડું ફુંકાતાથી સાથે જ ધોધમાર વરસાદ પડતા એર ટ્રાફિક કંન્ટ્રોલે (એટીસી) વિમાનને લેન્ડીંગ માટે મંજૂરી આપી ન હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પણ રાતે જયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એર ઇન્ડિયાની અમદાવાદ એરપોર્ટ પર પુનાથી દિલ્હી જતી ફલાઇટ, ઇન્ડિગોની મુંબઇથી દિલ્હી જતી તેમજ સ્પાઇસજેટ, ગો એર એમ કુલ ચાર ડોમેસ્ટિક ફલાઇટ્સ એક પછી એક અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી. જેના કારણે મોડી રાત સુધી અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક રહ્યો હતો.
વડોદરા-દિલ્હી ફ્લાઈટના ૧૮૦ પ્રવાસીઓ માંડ બચ્યા
વડોદરા એરપોર્ટ પરથી ૨૯મીએ ઇન્ડિગોની ફલાઇટ રાતે ટેકઓફ થઇ હતી જે દિલ્હી એરપોર્ટ ૧૦:૦૫ રાતે લેન્ડીંગ માટે રન-વેથી ૩૦૦ ફૂટ ઉપર હતી. વાતાવરણ ખરાબ હોવા છતાં દિલ્હી એટીસીએ લેન્ડીંગ માટે પાઈલટને મંજૂરી આપી હતી. દરમિયાન પાઈલટ વિમાનને રન-વે પર લેન્ડીંગ કરે તે પહેલાં જ ૧૦૦ મીટર બાકી હતું ત્યાંજ જોરદાર વાવાઝોડમાં ફસાઇ ગયું હતું. વિમાન આખું ફંગોળવા લાગતા તાત્કાલિક ક્રૂ મેમ્બરે ૧૮૦ પ્રવાસીઓને સીટ બેલ્ટ બાંધવાની સૂચના આપી હતી. જાણે મોટો ભૂકંપનો આંચકો આવ્યો હોય તેવી રીતે વિમાન આકાશમાં હાલકડોલક થતું હોવાથી વિમાનમાં સવાર પ્રવાસીઓના જીવ અદ્ધર થઇ ગયા હતા. જોકે પાયલોટની સૂઝથી વિમાને આકાશમાં ૫૫ મિનિટ ચક્કર લગાવ્યા બાદ સુરક્ષિત લેન્ડીંગ કર્યું હતું.


