ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી બીજી સપ્ટેમ્બરે નવી દિલ્હીના અકબર રોડ પર નવનિર્મિત ‘ગરવી ગુજરાત ભવન’નું લોકાર્પણ કરશે. ગુજરાત સરકારે રૂ. ૧૩૧ કરોડના ખર્ચે નવું અતિથિ ગૃહ બનાવ્યું છે જેમાં ૧૯ સ્યુટ તથા ૫૯ રૂમ હશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, દિલ્હીમાં નવનિર્મિત ભવન માટે કેન્દ્ર સરકારે ૭૦૬૬ ચોમી જમીન ફાળવી છે. તેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ભવનમાં બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપરપઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ પણ હશે. ઉદઘાટન વખતે રાજ્યના સાંસ્કૃતિક ધરોહર સમાન કલા-વારસાની ઝાંખી લોકોને થાય તે માટે વિજ્ઞાન ભવન અને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.

