અમદાવાદ: વિદેશોમાં ૧૬ કંપનીઓ અને પ્લાન્ટ ધરાવતી દિશમાન ફાર્માનું કથિત રીતે અંદાજે રૂ. ૨ હજાર કરોડનું ટર્ન ઓવર છે. સત્તાવાર રીતે આ કંપનીએ રૂ. ૫૦૦ કરોડના આર્થિક વ્યવહારો દર્શાવ્યા છે. કંપનીના આર્થિક વ્યવહારોમાં ગોટાળાની શંકા સાથે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ૧૯મી ડિસેમ્બરે દિશમાન ફાર્માસ્યુટિકલ્સની નરોડા અને બાવળામાં આવેલી ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને બોપલ-આંબલી રોડ પર આવેલ કૌસ્તુભ હાઉસ સહિત ૧૨ રેસિડેન્શિયલ અને ૭ બિઝનેસ પ્રિમાઈસીસ પર સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આઈટી અધિકારીઓને રૂ. ૨૬ લાખની રોકડ મળી આવી હતી અને ૧૭ લોકર મળી આવ્યા હતા. આ ઉપરાંત, ઓન મની પેપરના વ્યવહારો, બોગસ ડોનેશન અને બોગસ ખર્ચના વ્યવહારો, જમીન ખરીદીના વ્યવહારો દર્શાવતી ડાયરીઓ, કાચી નોંધ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. કંપનીના લોકર ઓપરેટ કરાયા પછી રોકડ, જ્વેલરી અને મહત્વના અને વાંધાજનક દસ્તાવેજો મળી આવે તેવી શક્યતા છે.
દિશમાનના સંચાલકો
દિશમાન ફાર્માસ્યુટિકલ્સમાં જન્મેજય વ્યાસ સીએમડી અને ચેરમેન છે, તેમનાં પત્ની દેવહુતિ વ્યાસ ડાયરેક્ટર છે. તેમની દીકરી અદિતિ અને પુત્ર અર્પિત એમડી અને સીએફઓ છે. અર્પિત હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં છે.
એફએસએલની મદદ
કંપનીના મોબાઈલ, લેપટોપ, સર્વર, કપ્મ્યુટર સહિત સંખ્યાબંધ ડિજિટલ વ્યવહારો જોવા મળ્યા છે અને કંપનીનાં ડિજિટલ વ્યવહારોના સર્ચ માટે ૭ આઈટી એક્સપર્ટ કાર્યરત છે. આ ઉપરાંત ડિજિટલાઈઝેશન વ્યવહારોને ડીકોડેડ કરવા માટે એફએસએલની મદદ લેવાઈ છે.
વિદેશોમાં ૧૬ કંપની અને પ્લાન્ટ
વિદેશોમાં આ ઔદ્યોગિક જૂથની ૧૬ કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જેમાં ચીનમાં ૩ કંપની અને ૧ પ્લાન્ટ, સ્વિટઝરલેન્ડમાં ૪ કંપની અને ૪ પ્લાન્ટ, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, શારજાહ, સિંગાપુરમાં ૧-૧ છે. વિદેશોમાં મોટાપાયે બલ્ક ડ્રગનું ઉત્પાદન, વેચાણ સહિતની મોટાપાયે કામગીરી કરતી દિશમાન ફાર્માએ રૂ. ૨ હજાર કરોડનું ટર્નઓવર દર્શાવ્યું છે તે બાબતે પણ આઈટી અધિકારીઓને આશ્ચર્ય છે અને આ ગ્રૂપનું ટર્નઓવર વધુ હોવાની શંકા છે.


