દુનિયાભરના પ્રવાસીને માણવા મળશે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ

હેરિટેજ અને બોર્ડર ટુરિઝમ વિકસાવવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા

Wednesday 23rd February 2022 09:01 EST
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે કામગીરી ચાલી રહી છે, તેનો ચિતાર પોતાના બ્લોગમાં લખી જનતા સમક્ષ મુક્યો છે. આ સાથે જ તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે રાજ્યમાં હેરિટેજ અને બોર્ડર ટુરિઝમના નવીન આયામો વિકસાવાશે. મુખ્યમંત્રીના બ્લોગના અંશોઃ

પ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગુજરાત

નમસ્કાર. મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગરરચના, વરસાદી પાણીના સંગ્રહ માટેની જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી. મેં આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ તથા પૌરાણિક સ્મૃતિઓના સંગ્રહસ્થાન એવા મ્યુઝિયમની મુલાકાત લીધી અને એ અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું. આવનારા દિવસોમાં ધોળાવીરા પર્યટકો માટેનું નવું નજરાણું બનશે. ધોળાવીરાની અંદાજે ૫૦૦૦ વર્ષ જૂની આ ધરોહરની વિશેષતાઓ અને સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તથા પ્રવાસીઓને મળી રહેલી માહિતી-સગવડમાં વધારો કરી ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
ધોળાવીરાની મુલાકાત દરમિયાન ગઢુલી-સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું. કુલ ૨૬૪ કિમી લાંબા નેશનલ હાઈવે નંબર ૭૫૪-કેની ચાર લિંકમાં ગઢુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ તથા ખાવડાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે ૩૨૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ નેશનલ હાઈવે દ્વારા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર ઘટશે. ઉપરાંત ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર દરગાહ અને ખાવડાને પણ નેશનલ હાઈવેની કનેક્ટિવીટી મળશે. નેશનલ હાઈવે દ્વારા ૧૦૦ જેટલી બોર્ડર આઉટપોસ્ટને પણ કનેક્ટિવીટીનો વ્યૂહાત્મક લાભ મળશે. માનનીય શ્રી નરેન્દ્રભાઈના દૂરંદેશી વિચારને અનુસરીને સરહદી વિસ્તારોમાં એનસીસીનો વ્યાપ પણ વધારાઇ રહ્યો છે. એનસીસીની પ્રવૃત્તિઓ સરહદી યુવાશક્તિમાં દેશપ્રેમ, નિર્ભયતા અને શૌર્ય જેવા ગુણ ખીલવીને સરહદો પર દેશવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કચ્છ પ્રવાસ વેળા મને સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો -અધિકારીઓ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સીમાપારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટે આ જવાનોની કર્તવ્યપરાયણતા સ્પર્શી જાય એવી છે. સૌ જવાનોને મારા વંદન!
આવનારા દિવસોમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અનેક નવા સ્થાન, ટુરિસ્ટ પોઈન્ટ તથા સર્કિટ ડેવલપ થવા જઈ રહી છે. ગુજરાતમાં અનેક સ્થાન ઐતિહાસિક તથા પ્રવાસનની દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબની દૂરંદેશીપણાની નિશાની સમા રણોત્સવની જેમ ગુજરાતના અનેક સ્થાન વિશ્વ પ્રવાસન નકશામાં ચમકવા સક્ષમ છે. બનાસકાંઠાના નડાબેટની જેમ કચ્છના ધોરડોમાં બોર્ડર ટુરિઝમનો પણ વિકાસ થઈ રહ્યો છે.
મિત્રો, હવેના સમયમાં તમે ઐતિહાસિક સ્થાનો, પુરાતત્વીય સ્થાનો, બોર્ડર ટુરિઝમ જેવા પ્રવાસનના નવીન આયામો ગુજરાતમાં વિકસતા જોઈ શકશો. પ્રાકૃતિક અને માનવસર્જિત સૌંદર્ય ઉપરાંત વિવિધ સુવિધાઓથી સજ્જ આ પ્રવાસન સ્થળો સ્થાનિક ભાતીગળ સંસ્કૃતિને માણવાના પણ અનેક અવસર લઈને આવશે. રાજ્ય અને દેશના સહેલાણીઓ ઉપરાંત દુનિયાભરના પર્યટકો આપણા ગુજરાત તરફ આકર્ષાશે. આપ સૌ આપણા ગરવી ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થાનોની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. બાળકોને પણ આ સ્થળો અને તેના ઈતિહાસથી જરૂર માહિતગાર કરશો.

આપનો...
 - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter