દેશ-વિદેશમાંથી મહેમાન તેડાવ્યા, પણ પરિવારજનોને આમંત્રણ નહિ!

Wednesday 05th June 2019 05:27 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહીને ૮૦૦૦ દેશી-વિદેશી મહેમાન ઐતિહાસિક પળના સાક્ષી બન્યા. આમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, છ ડઝનથી વધુ દેશોના હાઇ કમિશનર અને દેશના સાધારણથી માંડીને વિધવિધ ક્ષેત્રના દિગ્ગજોનો સમાવેશ થતો હતો. જોકે આ વખતે પણ મોદીના પરિવારજનોને શપથ-ગ્રહણ સમારોહમાં આમંત્રણ નહોતું. તેમના માતા હિરાબાએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બેસીને ટીવી પર સમારોહ નિહાળ્યો હતો.
જોકે શપથવિધિમાં આમંત્રણ ન મળવાના મુદ્દે પરિવારજનોને કોઇ ફરિયાદ કે અફસોસ નથી. મોદીના બહેન બસંતીબહેન કહે છે કે તેમનું જીવન રાષ્ટ્રને સમર્પિત છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અંદાજે દોઢ દસકો મુખ્ય પ્રધાન પદે રહ્યા અને છેલ્લા પાંચ વર્ષથી વડા પ્રધાન રહ્યા તે દરમિયાન મોદીએ તેમના સરકારી આવાસ અને સરકારી યોજનાઓથી પરિવારજનોએ દૂર જ રાખ્યા છે.
મુખ્યમંત્રી અવાસની જેમ પ્રધાનમંત્રી આવાસમાં પણ મોદી એકલા જ રહે છે. પહેલા કાર્યકાળમાં તેમના માતા હીરાબેન કેટલાક દિવસો લોકકલ્યાણ માર્ગ પર આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રોકાયા હતા. જોકે બાદમાં ખુદ મોદીએ જણાવ્યું હતું કે મારી અતિશય વ્યસ્તતાના કારણે માતાનું ત્યાં મન નથી લાગતું. જોકે નરેન્દ્રભાઇ જ્યારે પણ ગુજરાત જાય છે ત્યારે માતાને અને પરિવારજનોને મળવાનું ભૂલતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter